વાપી નજીક બલિઠામાં ભંગારીયાઓએ ગોદામમાંથી બીલખાડી નજીક ઠાલવી દીધેલા કંપનીના વેસ્ટમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. રાત્રીના સમયે પણ ધુમાડા નું પ્રમાણ વધુ પ્રસર્યું હતું. જેને કારણે બલિઠા ના ભંડારવાડ અને આસપાસના વિસ્તારમાં ધુમાડીયો માહોલ ઉભો થયો હતો. ધુમાડા ની તીવ્ર વાસે લોકોના શ્વાસ રૂંધાવ્યા હતાં.
રાત્રીના 10 વાગ્યા આસપાસ સમગ્ર વિસ્તારમાં લોકો ઘર બહાર નીકળતા ગભરાયા હતાં. ઘર બહાર રહેલા લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. સાંજે લાગેલી આગને બુઝાવવા વાપી નગરપાલિકા અને વાપી નોટિફાઇડ ના ફાયરના જવાનો લાયબંબા લઈને આગ બુઝાવવા પહોંચ્યા હતાં. તેઓએ ભારે પાણીનો મારો ચલાવ્યો હતો.
જો કે તે બાદ આગ ને બદલે ધૂમાડા નું પ્રમાણ વધ્યું હતું જે આસપાસના વિસ્તારમાં પ્રસર્યું હતું. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જે વિસ્તારમાં નકામા કચરાના ઢગ ખડકવામાં આવ્યા છે. તે બીલખાડી નજીક અનેક ભંગારના ગોદામ ગેરકાયદેસર છે. જેમાં અનેક પ્રકારના જ્વલનશીલ તેમજ આરોગ્યને હાનિકારક વેસ્ટ કચરાનો ઢગ ખડકી દેવામાં આવ્યો છે.
આ ભંગારીયાઓ તેમનો નકામો વેસ્ટ બીલખાડી નજીકના વિસ્તારમાં ફેંકી દે છે. જે અંગે તંત્ર કે પંચાયત કોઈ કાર્યવાહી કરતું નથી. જેથી આવા ઢગ ના ઢગ બીલખાડી નજીક પથરાય રહ્યા છે. જેમાં આજે ગુરુવારે કોઈએ આગ લગાડી હોવાના કારણે કે અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
બલિઠા માં ટોયોટા શૉ રૂમ પાછળ આવેલ ખુલા કચરામાં આ આગ લાગી હતી. આગ લાગવાથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. જે જોઈ આસપાસના લોકોમાં ગભરાટ નો માહોલ ફેલાયો હતો. જે બાદ ફરી રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં.