વાપીમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત અગ્રવાલ મહિલા સમિતિ દ્વારા મહિલાઓ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના ભડક મોરા સ્થિત વાપી 99 માં આ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી. જેમાં આઠ મહિલા ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા, ઉપરાંત શાળાઓમાં ભણતા વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવા રમતગમતની કીટનું વિતરણ કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવી હતી.
અગરવાલ મહિલા સમિતિ દ્વારા આ ટુર્નામેન્ટ નું નામ WOW 2.0 એટલે કે War of Women રાખવામાં આવ્યું હતું. જેમાં 21 વર્ષથી લઈને 65 વર્ષ સુધીની મહિલાઓને વિવિધ ટીમમાં સામેલ કરાઈ હતી. ક્રિકેટ જેવી આઉટડોર રમતોમાં મહિલાઓ આગળ આવે તેમને પ્રોત્સાહન મળે સાથે જ સ્વાસ્થ્ય અને ફીટનેસ પ્રત્યે સજાગ બને તે આ ટુર્નામેન્ટ નો ઉદ્દેશ્ય હતો.
આ પહેલા આયોજિત ટુર્નામેન્ટમાં સારો પ્રતિસાદ મળ્યા બાદ આ સેકન્ડ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં એવી મહિલા ખેલાડીઓ પણ હતી જેણે મુંબઈ, સુરત જેવા વિવિધ સ્થળોએ સ્ટેટ લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાનામ રહેલી ક્ષમતા બતાવી છે. જ્યારે અન્ય એવી પણ મહિલાઓ હતી જેવો એ જીવનમાં પ્રથમવાર હાથમાં બેટ-બોલ પકડ્યા હતા. તમામે પોતાનામાં રહેલી કાબેલિયતનો પરચો બતાવી ચોગ્ગા છગ્ગા ની રમઝટ બોલાવી હતી તો એ ઉપરાંત બોલિંગ, ફિલ્ડીંગમાં પણ પોતાનું કૌવત બતાવ્યું હતું.
મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની રમતોમાં સામેલ ખેલાડીઓમાં શાળા કોલેજની સ્ટુડન્ટ ઉપરાંત ગૃહિણીઓ અને નોકરિયાત મહિલાઓ જોડાઈ હતી. આ ટુર્નામેન્ટમાંથી બચેલી રકમમાંથી સ્પોર્ટ્સ કીટ ની ખરીદી કરી વાપીની બે સ્કૂલના વિદ્યાર્થી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ટુર્નામેન્ટના અંતમાં વિજેતા ખેલાડીને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. જ્યારે એ સિવાયના તમામ ખેલાડીઓને મેડલ એનાયત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન વાપીની એવી મહિલાઓના હસ્તે કરવામાં આવ્યું હતું જે મહિલાઓએ વિવિધ ક્ષેત્રમાં વાપી નું અને તેમના સમાજનું નામ રોશન કર્યું છે.