વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક તરીકે વાપીવાસીઓના હૃદયમાં અમીટ છાપ છોડી જનાર આયુષ ફાઉન્ડેશનના કેપ્ટન અનિલ જી. દેવ અને શ્રીમતી મોહિની દેવની ભાવભીની યાદમાં રવિવારના તારીખ 31 માર્ચ 2024 ના રક્તદાન કેમ્પ અને આયુષ સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.
વાપીમાં આયુષ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયુષ
હોસ્પિટલ ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગજગત તેમજ હોસ્પિટલક્ષેત્રે સંકળાયેલ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સેક્રેટરી આર. આર. રાવલ અને વાપી ડિવિઝનના DySP બી. એન. દવેના હસ્તે કરવામાં આવશે. તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે કેપ્ટન અનિલ જી. દેવ અને શ્રીમતી મોહિની દેવની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી શ્રધ્ધાસુમન અર્પણ કરશે.
આ ઉમદા સામાજિક કાર્યમાં સૌનો ઉત્સાહ વધારવા તથા પ્રોત્સાહિત કરવા હોસ્પિટલ સાથે સંકળાયેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રક્તદાન કેમ્પ સાથે આયુષ સન્માનનો કાર્યક્રમ હોય તે માટે પસંદગી પામેલાં શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમ અંગે આયુષ હોસ્પિટલના ડૉ. આશિષ દેવ, ડૉ. સમીધા દેવ ડૉ. અમિત દેવ, ડૉ. વંદના દેવ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. ઉલ્લેખનીય છે કે, 3 વર્ષથી થતા આ રક્તદાન કેમ્પમાં 150 બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય રખાયું છે. ડૉ. આશિષ દેવે જણાવ્યું હતું કે, પોતે તબીબ હોય રક્તની જરૂરિયાત અને તેની મહત્વતાથી સુપરે વાકેફ છે. એટલે એક રક્તની બોટલ 3 લોકોની જિંદગી બચાવી શક્તિ હોય રકતની ઘટ નિવારવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.