Friday, October 18News That Matters

સોસાયટી મેનેજમેન્ટની લાપરવાહી:- વાપી-ચલા પ્રમુખ ગ્રીન સોસાયટીના પ્લે એરિયામાં રમતી 8 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો

વાપીના ચલા પ્રમુખ ગ્રીન સોસાયટીના પ્લે એરિયામાં રમતી આઠ વર્ષની બાળકીને વીજ કરંટ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના માટે સોસાયટીના સુપરવિઝનમાં બેદરકારીને જવાબદાર ગણવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ પ્રમુખ ગ્રીન સોસાયટીમાં 600થી વધુ ફ્લેટ છે. તેમાં બે હજારથી વધુ લોકો રહે છે. સોસાયટીમાં બાળકો પણ મોટી સંખ્યામાં છે. નાના બાળકોને રમવા માટે અલગ પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. આ પ્લે એરિયામાં બુધવારે સાંજે બાળકો ત્યાં રમી રહ્યા હતા. આ દરમિયાન એક 8 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. બાળકીને વીજ કરંટ લાગતાં સોસાયટીના રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

સદનસીબે બાળકીને વીજ કરન્ટ લાગ્યો ત્યારે હાજર સોસાયટીના લોકોએ તત્પરતા દાખવી બાળકીને ઈલેક્ટ્રીક શોકથી બચાવી હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જો કે, જીવંત વાયરને ચોંટી જવાથી એક આંગળી દાઝી ગઈ હતી. બાળકી સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરંતુ આ ઘટના બાદ બાળકીના પરિવારજનો ઉપરાંત ત્યાં રમી રહેલા અન્ય બાળકોના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સોસાયટીના રહીશોએ આક્રોશ ઠાલવ્યો છે કે, આ માટે સોસાયટીની દેખરેખમાં બેદરકારી જવાબદાર છે. સોસાયટી મેનેજમેન્ટને સમયસર મેઇન્ટેનન્સ ની રકમ આપવામાં આવતી હોવા છતાં ઠેર ઠેર ખુલ્લા વીજ વાયરો છે. જે અંગે રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. ઘટના બાદ ભોગ બનનાર બાળકી ના પરિવારે જવાબદાર લોકોની વિનંતી પર ફરિયાદ કરવામાં ટાળ્યું છે. પરંતુ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

એવું જાણવા મળ્યું છે કે પ્લે એરિયાની આસપાસ લાઇટ લેમ્પ લગાવવામાં આવ્યા હતા. જેના લેમ્પ કાઢી નાખ્યા પછી પણ તેના વાયરિંગના વાયર ખુલ્લા હતા અને તેમાં કરંટ વહી રહ્યો હતો. તેમાંથી એક વાયર રમતી વખતે બાળકીએ અનાયાસે પકડી લીધો હતો જેના કારણે વિજશોક લાગ્યો હતો. મળતી વિગતો મુજબ આ ઘટના બાદ ખુલ્લા વાયરને બંધ કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *