Friday, October 18News That Matters

વાપીના ડુંગરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર હત્યારાને ઝડપી પાડ્યો, ફાંસીની સજા થાય તેવો વલસાડ પોલીસનો પ્રયાસ

સોમવાર 23 ઓક્ટોબરે વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર હત્યારાને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી મૂળ યુપીનો છે. વાપીમાં તે છૂટક મજુરી કામ કરતો હતો. જેણે બાળકીને ચોકલેટ આપી ફોસલાવી લઈ ગયા બાદ આ જઘન્ય કૃત્ય આચર્યું હતું. જેને કડકમાં કડક ફાંસી સુધીની સજા થાય તેવા પ્રયાસ સાથે વલસાડ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

 

આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે, વાપીના ડુંગરા વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ થયું હતું. જેની ફરિયાદ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં  આસપાસના વિસ્તારમાં લાગેલ CCTV ફૂટેજ આધારે આરોપીની ઓળખ કરી તે બાળકીને જે ખાડી વિસ્તારમાં લઈ ગયો હતો ત્યાં તપાસ કરતા 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું સુરત ખાતે ફોરેન્સિક PM કરાવતા બાળકી સાથે દુષ્કર્મ આચરી ગળે ટુંપો દઈને તેમજ માથાના ભાગે ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી હોવાની પુષ્ટિ થઈ હતી.

 

આ ચકચાર જગાવતી ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસે અલગ અલગ 25 જેટલી ટીમ બનાવી તેમજ સ્થાનિક લોકોની મદદ વડે બુલેટ ટ્રેન પ્રોજેકટ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી મૂળ યુપીનો અને 3 બાળકોનો પિતા છે. વાપીમાં 7 વરસથી છૂટક મજુરી અર્થે મહારાષ્ટ્ર ના સતારાથી અહીં સ્થાયી થયો છે. પાંચેક મહિનાથી તેની પત્ની અને 3 બાળકો પત્નીના પિયરે ગયા હોય અહીં એકલો રહેતો હતો. જે દરમ્યાન છેલ્લા એક સપ્તાહથી રૂમનું ભાડું ચૂકવી શક્યો ના હોય રૂમ ખાલી કરાવી દેતા છૂટક મજૂરી કરી રખડતું ભટકતું જીવન જીવતો હતો.

એ અરસામાં તે અવારનવાર બાળકીના વિસ્તારમાં આવી નજીકની કરિયાણાની દુકાનેથી તેને ચોકલેટ જેવી ખાદ્ય ચીજો અપાવી ઓળખાણ ઉભી કરી હતી. 23મી ઓક્ટોબરે બાળકીનો વિશ્વાસ કેળવી તેને પોતાની સાથે લઈને ખાડી વિસ્તારમાં લાવી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

વધુમાં ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના અપરાધમાં પોલીસે દુષ્કર્મ, હત્યાની કલમ ઉમેરી કડકમાં કડક ફાંસી જેવી સજા થાય તે માટે પ્રયાસ કર્યા છે. જે માટે પોલીસ તરફથી સરકારી વકીલ મંજુર કરાવી 20 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી આરોપીને ફાંસીની સજા થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 6 વર્ષની બાળકીને ફોસલાવી અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડવા વલસાડ પોલીસે SOG, LCB, સ્થાનિક ડુંગરા પોલીસ સહિત પોલીસ જવાનોની 50 જેટલી ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સ્થાનિક 500 જેટલા લોકોનો પણ સહયોગ મળ્યો હતો. જેના થકી આખા વિસ્તારને કોર્ડન કરી આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *