મુંબઈ પોલીસે થોડા દિવસ પહેલા વિશાખાપટ્ટનમથી એક બાળકીને શોધી કાઢી હતી. આ બાળકીને મુંબઈની એક મહિલાએ અન્ય મહિલાને 4 લાખમાં વેંચી હતી તેવી બાતમી પોલીસને મળી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. જે તપાસનો રેલો પોલીસને વાપી લઈ આવ્યો હતો. વાપી વૈશાલી બ્રિજ નીચેથી પોલીસે 6 નાના બાળકો સાથે એક મહિલાની અટક કરી તેને મુંબઈ સાથે લઈ ગઈ છે. પોલીસને શંકા છે કે ભીખ માંગી ગુજરાન ચલાવતી આ મહિલા બાળકોની ચોરી કરી તેને અન્ય લોકોને લાખો રૂપિયામાં વેંચે છે.આ અંગે મળતી વિગતો મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રવિવારે વાપી આવી હતી. વાપીમાં જે મહિલાને પકડવાની હતી તેનું મોબાઈલ લોકેશન વૈશાલી બ્રિજ આસપાસનો વિસ્તાર બતાવતું હતું. તેથી પોલીસની ટીમ તપાસમાં લાગી હતી. જો કે, વૈશાલી બ્રિજ આસપાસ કેટલાક ભીખ માંગી ગુજરાન ચલાવતા પરિવારના લોકો ડેરા તંબુ તાણીને રહેતા હોવાનું જોઈ તેમાંથી શંકાસ્પદ મહિલાને બાળકો સાથે શોધી કાઢવા તમામ બાળકોને બિસ્કિટ ના પેકેટ વહેંચ્યા હતાં.સિવિલ ડ્રેસમાં રહેલી પોલીસે બિસ્કિટ વહેંચવાને બહાને ત્યાં રહેતા લોકોને બાળકો કેટલા છે, કેવી રીતે ઘર ચાલે છે અને જમવાની વ્યવસ્થા કેવી રીતે કરો છો તેવી પૂછપરછ કરી હતી. તે દરમ્યાન પોલીસને જેની શોધ હતી તે મહિલા પણ ત્યાં હાજર હોય અને તેની આસપાસ 6 બાળકો પણ હોઈ પોલીસે તેની પૂછપરછ કરી તેની અટક કરી હતી. મહિલાને 6 બાળકો સાથે મુંબઈ પોલીસ તાત્કાલિક પોતાની સાથે લઈ મુંબઈ રવાના થઈ ગઈ હતી.મહિલાએ પોતાની જ એક પુત્રી ને અન્ય મહિલાને 4 લાખમાં વેંચી દીધી હોવાની શંકા આધારે પોલીસે તેની પૂછપરછ કરી હતી. જે બાદ હાલમાં તેની સાથે રહેલા તમામ 6 બાળકો પણ તેના જ છે કે કેમ તેની તપાસ કરવા DNA ટેસ્ટ કરવાની તૈયારી સાથે મહિલાને પોતાની સાથે મુંબઈ લઈ છે. જો કે મહિલાએ આ તમામ બાળકો તેના જ હોવાની કેફિયત રજૂ કરી હતી.ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં બાળકોની ચોરી અપહરણ કરી તેને લાખો રૂપિયામાં વેંચી દેવા અંગેની અનેક ફરિયાદો બાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ત્યારે આ મહિલા તેમાં મહત્વની કડી પુરવાર થાય છે કે કેમ તેના પર હાલ મીટ મંડાઈ છે.