વાપીમાં રહેતા 2 યુવાનોએ વાપી થી અયોધ્યા/Vapi to Ayodhya સુધી દોડ લગાવવાનો સંકલ્પ લીધો હતો. જેનો 22મી જાન્યુઆરી 2025ના પ્રારંભ કર્યો હતો. Miles for Minds, Empowering Girl Child ના ઉદેશ્ય સાથેની આ Mission RAMathon 1500 કિલોમીટરની છે. જે 25 દિવસમાં પૂર્ણ કરશે. જેઓને પ્રોત્સાહન પૂરું પાડવા અંબા માતા મંદિર ખાતે રોટરી વાપી રિવરસાઈડ ના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વાપીના ચલા વિસ્તારમાં શુભમ-2 કોમ્પ્લેક્ષમાં રહેતા 2 મિત્રો ઉજ્જવલ ડોલીયા અને સંજય શુક્લા નામના આ બંને દોડવીરો વાપી થી અયોધ્યા સુધી દોડીને જઇ રહ્યા છે. તેમની આ દોડને તેઓએ Mission RAMathon નામ આપ્યું છે.
આ અનોખા મિશન અંગે દોડવીર ઉજ્જવલ ડોલીયા અને સંજય શુક્લએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 26 જાન્યુઆરીએ 75 મો ગણતંત્ર દિવસ હતો. આ 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમણે 75 km ની દોડ લગાવી ભારત માતા પ્રત્યે પોતાની દેશભક્તિ પ્રગટ કરી હતી.
જે બાદ જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે બંને મિત્રોએ સંકલ્પ કર્યો કે તેઓ વાપી થી અયોધ્યા દોડીને જશે. સાથે બેટી બચાવો બેટી પઢાવો નો સંદેશ પણ લઈને જશે. રામ મંદિરમાં ભગવાન રામના દર્શને હજારો લોકો જાય છે. જેવો ટ્રેનથી, બસથી, પ્લેનથી કે અન્ય વાહનથી જાય છે. પરંતુ આ બંને મિત્રોએ વાપી થી અયોધ્યા દોડીને જવાનું નક્કી કરાવ્યું હતું.
આ માટે છેલ્લા એક વર્ષની સખત મહેનત કરી 22મી જાન્યુઆરી 2025ના અંબામાતા મંદિરથી તેમની મેરેથોનનો પ્રારંભ કર્યો હતો. 1500 કિલોમીટરની આ દોડ દરમ્યાન તેઓ દૈનિક 60 કિલોમીટરનો રૂટ દોડીને પૂરો કરશે. અને 25 દિવસ બાદ અયોધ્યા પહોંચશે. આ દોડના રૂટ દરમિયાન તેઓ ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશનનો સંદેશ આપશે. જે લોકો ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશન માટે ફંડ આપશે તે તમામ ફંડ કપરાડાની ગર્લ્સ હોસ્ટેલમાં દાન કરશે.