Sunday, December 22News That Matters

મેરા બિલ મેરા અધિકાર….GSTની આ યોજનાનો લાભ સાયબર ક્રાઈમ માટે જાણીતી જામતારા જેવી ગેંગ ઉઠાવશે તો….?

દેશમાં સાયબર ક્રાઈમ માટે ઝારખંડની જામતારા ગેંગ નામચીન છે. KYCના બહાને કે KBCની લોટરીના બહાને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખતી આ ગેંગ છે. ત્યારે સરકારની મેરા બિલ મેરા અધિકાર યોજના સાથે જો લોકોને સાયબર ક્રાઈમ ની જાગૃતિ આપવામાં નહિ આવે અથવા તો, GST વિભાગ દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં નહિ આવે તો આ યોજનાની એક વર્ષની અવધિમાં જામતારા ગેંગ મોટાપાયે લોકોને સાયબર ક્રાઇમનો શિકાર બનાવશે.

દેશના કર માળખાને સદ્રુઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે 1લી સપ્ટેમ્બર 2023થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી છે.

યોજનાના પ્રથમ એક દિવસમાં જ તેની મોબાઈલ એપ પર 10500થી વધુ ઇનવોઇસ અપલોડ થયા છે. ટૂંકમાં 1 મહિનામાં અંદાજિત 3.50 લાખ ઇનવોઇસ અપલોડ થશે. જે એક મહિના બાદ તેમાંથી 800 ભાગ્યશાળી લોકોને 10 હજારની રકમના પુરસ્કાર એનાયત કરશે. જ્યારે 10 લોકોને 10 લાખના પુરસ્કાર એનાયત થશે. આ સિલસિલો એક વર્ષના કુલ 12 મહિના સુધી ચાલશે. 12 મહિનામાં એક અંદાજ મુજબ લગભગ 4.50 કરોડ જેટલા ઇનવોઇસ અપલોડ થશે. જેમાંથી વર્ષ દરમ્યાન માત્ર 9728 લોકો 10 હજારથી 10 લાખની રકમના ઇનામ મેળવશે. એ ઉપરાંત દર 3 મહિને 2 વિજેતાઓને 1-1 કરોડની લોટરી લાગશે. 12 મહિનામાં આવા 8 લોકો જ 1-1 કરોડના ઇનામ મેળવવા હકદાર બનશે. પરંતુ દર મહિને આવા લાખો લોકો પૈકી કેટલાકને આવી લોટરી લાગી છે. એવા મેસેજ કરી સાયબર ફ્રોડ કરતી જામતારા ગેંગ પોતાનો શિકાર બનાવી એકાઉન્ટ ખાલી કરી નાખશે.

આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી છે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારંભ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ પ્રધાન કનું દેસાઇએ તા. 01/09/2023ના રોજ સવારે 11:00 કલાકે વાપી ખાતેથી કર્યો છે.

મેરા બિલ મેરા અધિકાર યોજના થકી ડુપ્લીકેટ બિલ પર લગામ કસી GST ની આવકમાં વધારો કરવાનો આશય સરકારનો અને GST વિભાગનો છે. પરંતુ, જો લોકોને સાયબર ક્રાઈમ ની જાગૃતિ આપવામાં નહિ આવે અથવા તો, GST વિભાગ દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં નહિ આવે તો આ યોજનાની એક વર્ષની અવધિમાં જામતારા ગેંગ મોટાપાયે લોકોને સાયબર ક્રાઇમનો શિકાર બનાવશે. આ યોજનાનો લાભ લેવા સાથે સાયબર ક્રાઇમના ફ્રોડ થી પણ બચવુ દરેક નાગરિક માટે હિતાવહ છે. નહિ તો 10 હજારની લાલચમાં 10 હજારથી લઈને લાખોનું નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *