વાપીના લખમદેવ તળાવ ખાતે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપી પાલિકાના પ્રમુખ સહિતના સભ્યોએ એક પેડ માઁ કે નામ અભિયાનમાં જોડાઈ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં સત્તા પક્ષના તમામ સભ્યોના નામે એક એક વૃક્ષ રોપવામાં આવ્યું હતું. અને તમામે તેના ઉછેરનો સંકલ્પ લીધો હતો.વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ લખમ દેવ તળાવ ખાતે ‘એક પેડ માઁ કે નામ’ મહા અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષરોપણની ખાસિયત એ હતી કે, અહીં નગરપાલિકા પ્રમુખ પંકજ પટેલ, ઉપપ્રમુખ દેવલ દેસાઈ, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, શહેર પ્રમુખ સતીશ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ સહિત સત્તા પક્ષના તમામ પાલિકા સભ્યોના નામે એક એક વૃક્ષ રોપવામાં આવ્યું હતું. અને તે તમામ વૃક્ષને ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.વૃક્ષરોપણના મહત્વ અંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પર્યાવરણ બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક અભિયાન શરૂ કર્યા છે. અંતર્ગત દિલ્હીના બુદ્ધિ પાર્કમાં તેઓએ એક પીપળાના વૃક્ષને રોપી દેશભરમાં એક પેડ માઁ કે નામ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને વેગ આપવા વાપી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ સભ્યોએ અહીં એક એક વૃક્ષ રોપ્યું છે. પર્યાવરણ પ્રત્યે ની આ જવાબદારી સરાહનીય છે. પર્યાવરણ ને બચાવવા અને ઝીરો કાર્બન લક્ષ્યાંક ને પહોંચી વળવા આ પ્રકારના આયોજન અતિ જરૂરી છે.ઉલ્લેખનીય છે કે, વાપી ના લખમદેવ તળાવ ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ચીફ ઓફિસર, નગરપાલિકામાં સભ્યો, કર્મચારીઓ ઉપરાંત ફોરેસ્ટ વિભાગ પારડીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. તમામે વૃક્ષરોપણના આ કાર્યક્રમને વધુ વેગ આપવા સંકલ્પ લીધો હતો.