Friday, January 31News That Matters

વાપી GIDC માં આ Super-30 જેવી અનેક કંપનીઓએ જાહેર માર્ગને બનાવ્યો પાર્કિંગ ઝોન….? કોના બાપની દિવાળી…?

વાપી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં GPCB ની અને GIDC ની ચોક્કસ ગાઈડલાઈન હોવા છતાં તેને સાઈડલાઈન કરી કંપની સંચાલકોએ જાહેર માર્ગને જ કંપનીના વાહનો માટેનો પાર્કિંગ પોઇન્ટ બનાવી દીધો છે. GIDC ના કોઈપણ ફેઈઝ માં જાઓ તમને હજારોની સંખ્યામાં વાહનો-સાયકલો કંપની પરિસર બહાર ક્યાંક ઉભા કરેલા હંગામી શેડમાં તો ક્યાંક પાકા શેડમાં ખડકલો થયેલો જોવા મળશે. જાહેર માર્ગ અને તેના માર્જિન બાદ કંપનીઓએ પોતાની દીવાલ તો તાણી બાંધી છે. પરંતુ ગ્રીન સ્પેસ સહિતનો એરિયા વાહનોના પાર્કિંગમાં ફેરવી નાખ્યો છે.

કંપની બહાર જાહેર માર્ગ પર ઉભા કરેલા આ પાર્કિંગ ઝોન ને કારણે GIDC ના માર્ગો પર પિક અવર્સ માં ટ્રાફિક જામ ની સમસ્યાનો નિવેડો આવતો નથી. નવાઈની વાત તો એ છે કે, આવા પાર્કિંગ ઝોન બનાવનાર કંપની સંચાલકો પૈકી મોટાભાગના સંચાલકો વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે, નોટિફાઇડ ગવર્નિંગ બોર્ડ સાથે કે ગ્રીન એન્વાયરો લિમિટેડ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલ છે. જેઓ છાશવારે વાપી ના બ્યુટીફીકેશનને લઈને કે વાપીના જાહેરમાર્ગોને લઈને પોતાનો બળાપો ઠાલવતા આવ્યા છે. પરંતુ પોતે પોતાની કંપનીઓ બહાર જ ઉભા કરેલા આવા પાર્કિંગ અડ્ડાઓ પ્રત્યે જાણે એ તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય તેવું માની રહ્યા છે. જાહેર માર્ગને પાર્કિંગ ઝોન બનાવવામાં માત્ર કંપનીઓ જ નહીં પણ કેટલાક સુપર સ્ટોર, શોપિંગ કોમ્પ્લેક્ષ, મેગા મોલ ના સંચાલકો પણ એટલા જ સહભાગી છે.

જેમાં સુપર 30 પેઢીઓએ તો હદ કરી છે. જેમના નામ જોઈએ તો,
1, આરતી ઇન્ડસ્ટ્રીઝ 2, ઍકરા પૅક 3, અર્શ ફેશન્સ 4, એપેક્સ ફાર્મા 5, એડવેન્ઝા એડવાન્સ્ડ વાઈટલ એન્ઝાઇમ્સ 6, ACE ઇન્ડસ્ટ્રીઝ 7, બાયર ગાર્ડન આસપાસ 8, ગિરિરાજ ખુશ્બુ પ્લાઝા સામે, 9, FCG ફ્લેમપ્રુફ કન્ટ્રોલ ગિઅર્સ 10, ગલવા ડેકો, 11, હાઈટેક ઇન્ક, 12, ગાયત્રી શક્તિ પેપરમિલ 13, હેરંબા ઇન્ડસ્ટ્રીઝ 14, માઇક્રોન ફાર્માસ્યુટિકલ 15, મંગલમ ડ્રગ્સ 16, N R અગરવાલ પેપરમિલ 17, સુપ્રીમ ક્રાફટ 18, રિવાઈવલ પેપરમિલ 19, વાપી કેર ફાર્મા 20, ઇન્ડસ્ટ્રીયલ બોઇલર, 21, રિશીતા ફેશન્સ, 22, યમુના મશીન વર્ક્સ 23, સ્વાતિ સપેન્સ્ટોસ 24, પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ 25, સુપ્રીત કેમિકલ 26, સ્વદેવ કેમિકલ 27, સંધ્યા ઓર્ગેનિક્સ 28, સરના, 29, વાપી પીગમેન્ટ્સ 30, ફોર્ચ્યુન મેગા મોલ સામે આ ઉપરાંત અન્ય વિસ્તારની પણ મોટાભાગની કંપનીઓ સામે આ જ પ્રકારે પાર્કિંગ ઝોન બન્યા છે. જેમાં વાહનોનો ખડકલો આ સુપર 30 પેઢીઓ કરતા પણ વધુ અથવા તો એના જેટલો જ છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1968ના મે માસમાં વાપી
GIDCનુ ભારતના પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન
મોરારજી દેસાઇના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું. 1968માં વાપી GIDC નો પાંયો નાખ્યા બાદ
આ વિસ્તાર સતત ઉદ્યોગો માટે મહત્વનો ઔદ્યોગિક વિસ્તાર બન્યો છે. કુલ 1117 હેકટરમાં પથરાયેલ આ વિસ્તાર નોટિફાઇડ એરિયા ઓથોરિટી હસ્તક છે.

1100 હેકટરમાં પથરાયેલ જીઆઇડીસીમાં 1972થી ઉદ્યોગો ધમધમવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં 155 ઉદ્યોગો કાર્યરત થયા હતા. જ્યારે આજે 3000 થી વધુ નાના મોટા એકમો ધમધમે છે. જેને કારણે વાપી GIDC પ્રદુષણ માટે તેમજ ઉદ્યોગોમાં થતા ગમખ્વાર આગ અને બ્લાસ્ટ ના બનાવોમાં નામચીન બન્યું છે. હવે જાહેર માર્ગો પર પાર્કિંગ ઉભા કરી વાહનોનો ખડકલો કરવા સાથે ટ્રાફિક સમસ્યા માટે પણ વગોવાય તો નવાઈ નહિ. જે અંગે નોટિફાઇડ, VIA, GIDC જેવી સંસ્થાઓના કર્તા હર્તા આગળ આવે તે સમયની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *