Friday, October 18News That Matters

છીરી નવીનગરીમાં નિર્માણ થનાર જેટકોના પાવર સ્ટેશન સામે સ્થાનિક લોકોનો વિરોધ, ક્રિકેટ સ્ટેડિયમ માટે માંગ

વાપી તાલુકાના છીરી ગ્રામ પંચાયત હદમાં આવેલ ગૌચરણ ની જગ્યામાં જેટકો દ્વારા પાવર સ્ટેશન બનાવવાની ગતિવિધિ હાથ ધરાતા શુક્રવારે સ્થાનિક ગામલોકોએ તેનો વિરોધ કરી ગ્રામ પંચાયત સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. જો કે, ગ્રામજનોના આક્ષેપોનું છીરી ગ્રામપંચાયત ના કારોબારી ચેરમેને ખંડન કર્યું હતું.છીરી ગ્રામ પંચાયતમાં ગાલા મસાલા વિસ્તારમાં આવેલ નવી નગરીમાં વર્ષોથી ખુલ્લી પડેલી જમીન પર જેટકો દ્વારા નવા સબ સ્ટેશન બનાવવા અંગે કામગીરી હાથ ધરી હતી. જે દરમ્યાન સ્થાનિક ગામલોકોએ વિરોધ કરી કામ અટકાવ્યું હતું. આ અંગે સ્થાનિક ગામલોકોએ ગ્રામ પંચાયત પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ જમીન આસપાસ તેઓ 40 વર્ષથી વસવાટ કરે છે. જમીન પર ક્રિકેટ સહિતની રમતો રમીએ છીએ, તેમજ દરેક પ્રસંગો દરમ્યાન આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જો ગ્રાઉન્ડમાં પાવર સ્ટેશન બનશે તો તેનાથી અમને અનેકગણું નુકસાન થશે માટે આ વિરોધ કરવામાં આવ્યો છે.
સ્થાનિક રહેવાસી એવા મોહંમદ નસીમ હુસેન ખાન અને તાલુકા પંચાયતના મહિલા સભ્યના પુત્ર અન્નું મિર્ઝાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારમાં ગરીબ લોકોએ ઇન્દિરા આવાસ યોજના હેઠળ મકાન બનાવ્યા છે. આ ખુલ્લું મેદાન તેઓને અનેકરીતે ઉપયોગી છે. અહીં પાવર સ્ટેશન ની કામગીરી શરૂ થતાં અમે મામલતદાર અને તલાટી પાસે ઠરાવની કોપી માંગી હતી. જે તેઓએ આપી નથી. હકીકતમાં છીરી પંચાયતના સરપંચ 6 મહિનાથી રજા પર છે. પાછલા દોઢ વર્ષથી સરપંચ વિહોણી પંચાયતમાં ઠરાવ કોણે પાસ કર્યો અને સહી કોણે કરી? આ અંગે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા નથી. તેથી અમારો વિરોધ છે.
સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અહીં ગામના યુવાનો ક્રિકેટ જેવી રમતો રમે છે. જે માટે આ જમીન પર ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું જોઈએ પંચાયત સ્થાનિક લોકોના ફાયદાની વાત કરે છે. પરંતુ અહીં નજીકમાં વાપી GIDC ની કંપનીઓ આવેલી છે. જેનાથી જમીનના પાણી, આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે. તેમ છતાં ગ્રામ જનોને કોઈ સુવિધાઓ મળી નથી. આ અંગે જરૂર પડ્યે કોંગ્રેસના આગેવાનો સાથે કલેકટર કચેરીએ રજુઆત કરી ને આ કામગીરી અટકાવશે.
સ્થાનિક ગામલોકોનો પાવર સ્ટેશન સામેના વિરોધ અને આક્ષેપોનું ખંડન કરતા છીરી ગ્રામપંચાયત ના કારોબારી ચેરમેન નુરુદ્દીન ચૌધરીએ જણાવ્યું હતું કે, આ સ્થળે કુલ 7 એકરથી વધુ જમીન છે. જે પૈકી માત્ર સવા એકરમાં જ જેટકોનું સબ સ્ટેશન બનવાનું છે. અને આ જમીનની માંગણી સરકાર તરફથી કરવામાં આવી હોય પંચાયતે આપવી પડી છે. બાકીની જમીનમાં ક્રિકેટ સ્ટેડિયમ અને આરોગ્ય હોસ્પિટલ બનાવવાનું આયોજન પંચાયતનું છે. આ કામગીરી દરમ્યાન કોઈની પણ જમીન કે મકાનને કોઈ નુકસાન થવાનું નથી. આ સુવિધાઓ ઉભી થશે તો તેનાથી એકંદરે ગામલોકોને જ ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *