Friday, January 31News That Matters

પર્સનલ પાર્કિંગના નામે કમાતા બિલ્ડરોની જેમ, કંપની સંચાલકો પાસેથી GIDC-નોટિફાઇડે પણ પર્સનલ પાર્કિંગની કમાણીથી સરકારની તિજોરી છલકાવવી જોઈએ કે નહીં?

વાપી જેવી GIDC માં આવેલા ઉદ્યોગ સંચાલકોએ જાહેર માર્ગ પર જ કાચા પાકા શેડ બનાવીને કે જાહેર માર્ગ પર દબાણ કરી તેને પોતાના કર્મચારીઓના વાહનોનો પાર્કિંગ ઝોન બનાવી દીધો છે. જે પિક અવર્સ ટાઈમમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જી રહ્યા છે. જો કે તેના સુચારુ અમલ માટે GIDC નોટિફાઇડ જેવી સંસ્થાઓએ પણ બિલ્ડર બુદ્ધિ વાપરવી જોઈએ તેવું આ પાર્કિંગથી પીડાતા વાહનચાલકોની મહેચ્છા છે. જો બિલ્ડરો રહેણાંક ઇમારતોમાં દોઢ-બે લાખ સુધીની રકમ લઈ જે તે ફ્લેટ ધારકને પર્સનલ પાર્કિંગ આપતા હોય તો, નોટિફાઇડ-GIDC એ પણ જાહેર માર્ગનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરતા કંપની સંચાલકો પાસે પર્સનલ પાર્કિંગ ના નામે જરૂરી રકમના પૈસા લઈ સરકારની તિજોરી ભરવી જોઈએ અને તે પૈસાનો વિકાસના કામમાં ઉપયોગ કરવો જોઈએ.

વલસાડ જિલ્લો સામાન્ય રીતે ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે. અહીં ગુંદલાવ, પારડી, વાપી, સરીગામ અને ઉમરગામ GIDC આવેલી છે. જેમાં લગભગ 10 હજારથી વધુ નાનામોટા કારખાના ધમધમે છે. આ કારખાનામાં કામ કરતા કર્મચારીઓ, કારખાનાના માલિકો વાહનો લઈ ને જ કારખાનામાં કામગીરી કરવા આવે છે.

માત્ર 10 કામદારોથી ચાલતી કંપની થી માંડીને 3 હજાર કે 3500 કામદારોને રોજગારી પુરી પાડતી કંપનીઓમાં મોટેભાગે પાર્કિંગની કોઈ જ સુવિધા નથી. આ કંપનીઓ માં કાર-બાઇક સહિતના વાહનો લઈને કે સાયકલ પર આવતા કામદારો, શેઠિયાઓ તેમના વાહનો જાહેર માર્ગ પર જ પાર્ક કરે છે. એક બીજાની દેખાદેખીમાં હવે આ દુષણ દરેક કંપની બહાર ફેલાયું છે. જે GIDC ના દરેક મુખ્ય માર્ગ ને અડચણરૂપ બની રહ્યું છે.

પોતાના કે પોતાની કંપનીઓમાં આવતા કર્મચારીઓના વાહનોને કંપની બહાર જ પાર્ક કરવું એ જાણે જન્મસિદ્ધ અધિકાર હોય તેવી રાય કંપની સંચાલકોના મગજમાં ભરાઈ ગઈ છે. એટલે, નૈતિક ફરજને નેવે મૂકી રહ્યા છે. જેમ પ્રદુષણ ફેલાવવામાં કોઈને નહિ ગાંઠતા આ કંપની સંચાલકો જાહેર માર્ગ ને પાર્કિંગ તરીકેના ઉપયોગમાં પણ અધિકારીઓને ગાંઠતા નથી.

કોઈ પોતાની કંપની કેમિકલ કંપની હોય આગ જેવી દુર્ઘટના સમયે વાહનો બચી રહે તેવો રાગ આલાપ કરે છે. તો, વળી કોઈ પોતાની કંપની પેપરમિલ પ્રોડક્ટ, એન્જીનીયરીંગ પ્રોડક્ટ, મેડિકલ પ્રોડક્ટ બનાવતી હોય તેમાં આવતા ભારે વાહનો માટે વિશાળ જગ્યાની જરૂર પડતી હોવાનો રાગ આલાપે છે. જો કે આ પ્રકારના રોદણાં રડતા કંપની સંચાલકો પાર્કિંગ માટે કેમ વધારાની જગ્યા ખરીદતા નથી.

મુંબઈ અમદાવાદ જેવા મેગા સીટી સહિત હવે તો, વાપી જેવા નગરમાં પણ બિલ્ડરો હાલ ફ્લેટ ધારકોને પર્સનલ પાર્કિંગ આપી રહ્યા છે. કોમ્પ્લેક્ષ માં કે હાઇરાઈઝ બિલ્ડિંગમાં, મૉલ માં દરેક ફ્લેટ ધારક માટે પાર્કિગના પૈસા લેવામાં કોઈ શરમ ભરતા નથી. એમાં પણ જે વ્યક્તિ પાસે એક થી વધુ વાહનો છે તેઓને 1 લાખથી માંડીને 2 લાખ સુધીમાં પર્સનલ પાર્કિંગ એરિયા ઍલોટ કરે છે.

સવાલ એ છે કે, જો આવું પર્સનલ પાર્કિંગ બિલ્ડરો રહેણાંક મકાનોના માલિકોને આપી કમાણી કરી શકતા હોય તો GIDCનું સંચાલન કરતી નોટિફાઇડ જેવી સંસ્થાઓ પણ કંપની સંચાલકોને પર્સનલ પાર્કિંગની જગ્યા ઍલોટ કરી સરકારની તિજોરી ભરી શકે છે. જો કે, આ વ્યવસ્થા માટે અને કાર્યવાહી માટે મન હોય તો માંળવે જવાય કહેવતને દરેક અધિકારીઓ, હોદ્દેદારો અનુસરે તો જ શક્ય બને.

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *