Sunday, December 22News That Matters

જાણો…! ‘વેલેન્ટાઈન ડે’ નું મહત્વ અને અલગ અલગ દેશમાં થતી અનોખી ઉજવણી

‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમીઓનો દિવસ, પ્રેમ કરવાનો દિવસ. પોતાના પ્રિય પાત્રને પ્રેમની અભિવ્યક્તિ કરાવવાનો દિવસ. આ દિવસની દરેક પ્રેમી યુગલ આતુરતાથી રાહ જોતા હોય છે. પ્રેમનો આ દિવસ દરેકના જીવનમાં અગલ-અલગ મહત્વ ધરાવે છે.

14 ફેબ્રુઆરીએ મનાવવામાં આવતો આ દિવસ દરેક દેશમાં અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. પશ્ચિમી દેશમાં આ દિવસે યુવા હૈયાઓનો ઉત્સાહ ચરમસીમા પર હોય છે. તો પૂર્વના દેશોમાં વેલેન્ટાઈન ડે ઉજવવાનો અંદાજ કંઈક અનોખો હોય છે.

ચીનમાં આ દિવસને ‘નાઈટ્સ ઓફ સેવેન્સ’ તરીકે ઓળખવામાં આવે છે. તો જાપાન અને કોરિયામાં આ દિવસ ‘વ્હાઈટ ડે’ તરીકે ઓળખાય છે. ઉપરાંત આ દેશોમાં એક મહિના સુધી એક-બીજા સાથે પ્રેમનો એકરાર કરી ફૂલ અને ભેટ સોગાદોની આપ-લે કરવામાં આવે છે.

આ પર્વની ઉજવણી કરવા પશ્ચિમી દેશોમાં પારંપરિકરુપે વેલેન્ટાઇનના નામથી પ્રેમપત્રોની આપ લે કરવામાં આવે છે. ઉપરાંત ફૂલ, ગિફ્ટ અને પ્રેમના પ્રતિકોની ઉપહાર સ્વરુપ આપ-લે કરવામાં આવે છે. 19મી સદીમાં અમેરિકામાં આ દિવસે સત્તાવાર રીતે રજાની જાહેરાત કરવામાં આવી હતી.

વેલેન્ટાઈન ડેના ઈતિહાસ અંગે જોઈએ તો આ દિવસનું નામ અમેરિકન સંત વેલેન્ટાઈનના નામ પરથી રાખવામાં આવ્યું છે. પરંતુ સંત વેલ્ન્ટાઈનના અસ્તિતત્વ અંગે ઈતિહાસકારોમાં મતભેદ જોવા મળે છે અને નક્કર રીતે કોઈ પણ માહિતી ઉપલબ્ધ નથી.

કેથલિક ચર્ચની માહિતી મુજબ વર્ષ 1969માં વેલેન્ટાઈન નામના કુલ 11 સંત થઈ ગયા, જેના માનમાં 14 ફેબ્રુઆરીના દિવસે ‘વેલેન્ટાઈન ડે’ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોમના સંત વેલેન્ટાઈનને વધારે મહત્વ આપવામાં આવે છે.

વર્ષ 1260માં સંકલિત કરવામાં આવેલી ‘ઓરિયા ઓફ જેકોબ્સ વોરાઝિન’ નામના પુસ્તકમાં સંત વેલેન્ટાઈનનુ વર્ણન જોવા મળે છે. જે મુજબ રોમમાં ત્રીજી સદીમાં સમ્રાટ ક્લોડિયસનું સામ્રાજ્ય હતું. સમ્રાટ ક્લોડિયસનું માનવું હતું કે, લગ્ન કરવાથી પુરુષની શક્તિ અને બુદ્ધિમાં ઘટાડો થાય છે. જેથી ક્લોડિયસે ફરમાન બહાર પાડ્યું હતું કે, ‘તેની સેનાનો કોઈ પણ સૈનિક લગ્ન નહીં કરી શકે.’ સમ્રાટ ક્લોડિયસના નિર્ણયનો સંત વેલેન્ટાઈને વિરોધ કર્યો હતો. સંત વેલેન્ટાઈનના આહ્વાનથી ક્લોડિયસના સૈનિકોએ લગ્ન કરવાનું શરુ કર્યું. સંત વેલેન્ટાઈનના વિદ્રોહથી પરેશાન થયેલા સમ્રાટ ક્લોડિયસે 14 ફેબ્રુઆરી 226ના દિવસે સંત વેલેન્ટાઈનને ફાંસી આપી હતી. ત્યારથી તેમની યાદમાં પ્રતિવર્ષ 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેને પ્રેમના પ્રતિક રુપે ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *