વાપીમાં બની રહેલા 144 કરોડના ROB, RUB નું કામકાજ છેલ્લા કેટલાક મહિનાઓથી ઠપ્પ પડ્યું છે. વાપીના આ ઝંડા ચોક વિસ્તારમાં ઠપ્પ કામગીરીના સ્થળે PWD ના અધિકારીઓએ બેરિકેડ ગોઠવી દીધા છે. જેને કારણે અહીં ગંદકીના ઢગ ખડકાયા છે. જે આવનારા સમયમાં હટાવવામાં નહિ આવે તો, રોગચાળો ફાટવાની દહેશત સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોમાં ઉદભવી છે. જેના તાત્કાલિક નિવારણ માટે બેરિકેડ ખોલી સફાઈ કરવી જરૂરી હોય એ અંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક દુકાનદારોએ PWD ની વાપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે. કે, વાપી ઝંડા ચોક વિસ્તારમાં રેલ્વે ઓવરબ્રિજનું કામ માટે PWD દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. પણ હાલ કામકાજ બંધ હોવાથી બેરિકેડની અંદર કચરો એકત્ર થતો રહ્યો છે. જે આસપાસના રહીશોને માટે ભારે સમસ્યા સર્જી રહ્યું છે. હાલમાં ઘણા નાના મોટા સાપ નીકળી રહ્યા છે. માખી, મચ્છરનો ત્રાસ વધ્યો છે. અસહ્ય દુર્ગંધ માથું ફાડી રહી છે. આ કચરાથી રોગચાળો ફાટવાની દહેશત ઉભી થઇ છે.
ઉપરાંત ઉંડપી હોટેલવાળી ગલીમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ગંદકી અને કચરાને કારણે આ સ્થળ પર કેટલાક તત્વો દારૂ પીવા, જુગાર રમવા પણ આવતા હોય આવા તત્વો અહીં જ પેશાબ પણ કરતા હોય આવી બદીઓ પણ વધી છે.
ત્યારે, અહીં બેરીકેડ લગાવી ગંદકી ઘર બનાવવા પર રોક લગાવી બેરીકેડ હટાવવા તેમજ ROBના નીચેથી જે અંડરપાસ આપવામાં આવવાનો છે. એની ઉપરથી પણ વાહનોની અવર જવર થાય એવી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વાપી ટાઉન વિસ્તારમાં પાલિકા દ્વારા વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે, સ્વચ્છતા બાબતે સ્વચ્છ કચેરીનું સર્ટિફિકેટ મેળવનાર PWDના અધિકારીઓ ઝંડાચોકના આ વિસ્તારમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપે એ પણ એટલું જ જરૂરી છે. રોગચાળાની દહેશતવાળા ગંદકીથી ખદબદતા આ દુર્ગંધયુક્ત કચરાની સમસ્યામાંથી પ્રજાને નિજાત અપાવતી પહેલ કરે તેવી લોકમાંગ ઉઠી છે.