વાપી GIDC પર લાગેલા પ્રદુષિત GIDC ના ધબ્બાને દૂર કરી પોલ્યુટેડ ઝોનમાંથી બહાર લાવવાના પ્રયાસ નિરર્થક સાબિત થયા છે. આજે પણ GIDC માં આવેલ અનેક એકમો દ્વારા પર્યાવરણીય ઘટકો જેવા કે, આસપાસની હવા, પાણી, જમીન, ધ્વનિ, વનસ્પતિઓ અને પ્રાણીઓને અસર પહોંચાડતી ખતરનાક પ્રવૃતિઓ જોરમાં છે.
કંપનીઓમાં પાણીમાં રહેલ Ph, CoD, BoD અને બેક્ટેરિયા જેવી બાબતોમાં સજાગ રહેવું જરૂરી છે. તેમજ કંપની પરિસરમાં બોર બનાવવા કે બોરમાં કેમિકલયુક્ત પાણી ઉતારવું દંડનીય અપરાધ છે. જે માટે અવારનવાર GPCB દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. જો કે, તેમ છતાં આજે પણ અનેક કંપનીઓમાં પાણીનું બિલ ઘટાડવા તેમજ પ્રદુષિત પાણીને સીધું જમીનમાં ઉતારવા બોરનો ઉપયોગ કરાય રહ્યો છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 3rd ફેઈઝમાં આવેલ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં આ પ્રવૃત્તિ ખૂબ જ જોર માં ચાલી રહી છે. અન્ડરગ્રાઉન્ડ બોર બનાવી કંપનીના સંચાલકો બોરિંગના પાણીનો મોટરના સહારે ઉપયોગ કરી રહ્યા છે. કંપનીમાં બોર પણ કંપની પરિસરની બાઉન્ડરી નજીક આરક્ષિત ગ્રીન બેલ્ટમાં બનાવી આ પ્રવૃત્તિ આચરવામાં આવી રહી છે. જેની જાણકારી તંત્રને મળે નહીં એ માટે કંપની સંચાલકો દ્વારા ખાસ સિક્યુરિટી ગાર્ડ ને 24 કલાક તૈનાત કરવામાં આવ્યો છે. ગાર્ડનમાં વૃક્ષોને પાણી આપવાના ઓઠા હેઠળ પર્યાવરણ સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે.
સુત્રોનું માનીએ તો આવી પ્રવૃત્તિ વાપી GIDC ના તમામ ફેઝના અનેક એકમોમાં આચરાઈ રહી છે. તેમજ કેટલીક કંપનીઓમાં તો કંપનીની અંદર જ બોર બનાવી તેમાં સીધું જ કેમિકલ યુક્ત પાણી ઉતારી દેવામાં આવે છે. જેનાથી આસપાસની જમીન ખરાબ થઈ છે. તો, કેટલીક જગ્યાઓ પર આવું પાણી બેક મારી નજીકમાંથી પસાર થતી CETP ની અને નોટિફાઇડની ગટર લાઇન, સ્ટોર્મ વોટર લાઈનમાંથી રસ્તા પર વહે છે. જે અંગે GPCB ના અધિકારીઓ દ્વારા અનેકવાર ચકાસણી કરવામાં આવી હોવા છતાં તેના મૂળ સુધી પહોંચી શક્યા નથી. ત્યારે આ અંગે GPCB ટેક્નિકલ સાધનોની મદદથી તપાસ કરે તો અનેક કંપનીઓના કાળા કરતૂતો બહાર આવી શકે તેમ છે.