Saturday, December 21News That Matters

વાપીની રમઝાન વાડીમાં વરસાદી પાણી ભરેલા ખાડા (ખનકી)એ લીધો 3 બાળકોનો જીવ, મૃતકોમાં જોડિયા ભાઈ બહેન સહિત પાડોશી બાળકીનો સમાવેશ…!

વાપીમાં શનિવારે રમઝાન વાડી માં રહેતા સગા ભાઈ બહેન સહિત 3 ના ડુબી જવાથી મોત છે. ત્રણેય બાળકોમાં 2 છોકરી અને એક છોકરાનો સમાવેશ થાય છે. ત્રણેય બાળકો બપોરથી ગુમ હતાં. જેની શોધખોળ હાથ ધરાઈ હતી. સાંજે ઘર નજીકના વરસાદી પાણીથી ભરાયેલ ખાડા (ખનકી) માંથી મૃતદેહ મળી આવ્યા હતાં. મૃતકોના નામ હર્ષ સંદીપ તિવારી, રિદ્ધિ સંદીપ તિવારી અને આરુષી સોલંકી છે. ત્રણેય 7 થી 9 વર્ષની ઉંમરના હતાં. 2 બાળકી એક કિશોર ના મોતથી પરિવારમાં માતમ નો માહોલ છવાયો છે.ડુંગરા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી નજીક છરવાડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતી રમઝાન વાડી ની આ ઘટના છે. જ્યાં વરસાદી પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક જ પરિવારના જુડવા ભાઈ બહેન હર્ષ સંદીપ તિવારી ઉમર વર્ષ 7, રિદ્ધિ સંદીપ તિવારી ઉંમર વર્ષ 7 અને પાડોશી પરિવારની દીકરી આરુષી રાજેશ સોલંકીનો સમાવેશ થાય છે.
છરવાડાના રમઝાન વાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પલેક્ષમાં પરિવાર સાથે રહેતા આ ત્રણ બાળકો શનિવારે સાડા ત્રણ વાગ્યા આસપાસમાં ઘરે થી નજીકમાં રમવા ગયા હતાં. જે મોડી સાંજ સુધી પરત નહિ આવતા તેમના પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. જે દરમ્યાન નજીકમાં વરસાદી પાણીથી ભરાયેલ ખાડા (ખનકી) નજીક બાળકો રમતા હોવાની જાણકારી મળતા ખાડામાં શોધખોળ કરી હતી. જેમાં ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યા હતાં. એક સાથે ત્રણ માસુમ બાળકોના મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી.
તિવારી પરિવારના મૃતક જુડવા હર્ષ અને રિદ્ધિ ચાર ભાઈ બહેન હતા. જેમાં ત્રણ બહેનો વચ્ચે એક જ ભાઈ હતો. મૃતક બંને પરિવારમાં સૌથી નાના હતા. બનાવના દિવસે તેઓ બિલ્ડીંગની નીચે પાર્કિંગમાં રમી રહ્યા હતા. દરમિયાન રમતા રમતા બિલ્ડીંગની નજીક આવેલા વરસાદી પાણી ભરેલા એક ખાડા (ખનકી) નજીક પહોંચ્યા હતા. જેમાં આ બાળકો ડૂબી ગયા હતા.
ત્રણેય બાળકોને તેમના પરિવારે પાણીના ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલ માં લઇ ગયા હતાં. તબીબોએ મૃત ઘોષિત કરી ડુંગરા પોલીસને જાણ કરી હતી. મોડી રાત્રે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આ ગમખ્વાર ઘટનામાં જે પરિવારના ત્રણ બાળકો મૃત્યુ પામ્યા છે. તે પરિવારના સભ્યોનું આક્રંદ કાળજું કપાવનારું હતું. વહાલસોયા બાળકોને ખોવાના દુઃખ માં તેઓના આંખમાંથી આંસુ સુકાતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *