વાપી નજીક છીરી ગામમાં એક વ્યક્તિની વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી 50 જેટલા આંબા ના ઝાડ કાપી તેના લાકડા બારોબાર વેચી દીધા હોવાની ફરિયાદ ડુંગરા પોલીસે નોંધાઇ છે. પોલીસે આ ફરિયાદ આધારે છીરીના હાર્દિક દેસાઈ નામના વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ વ્યક્તિ છીરી માં રાજકીય વગ ધરાવતી અને રાજકારણ માં સક્રિય મહિલાનો પુત્ર છે.
આ અંગે ડુંગરા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મૂળ સેલવાસમાં રહેતા અને છીરીમાં વડીલોપાર્જીત જમીન ધરાવતા ભરત બાલુભાઈ નાયકે ફરિયાદ નોંધાવી છે કે, છીરી માં તેમની આંબાવાડી આવેલી છે. આ આંબાવાડી માં 70 જેટલા આંબા ના ઝાડ વાવેલા હતાં. ગત ફેબ્રુઆરી મહિનામાં તેઓ તેની આંબાવાડી માં આવ્યા ત્યારે જોવા મળ્યું કે, વાડીમાં 50 જેટલા આંબાના ઝાડ, તેમજ બાવળ અને અન્ય મળી વધુ 10 જેટલા ઝાડ જેની અંદાજિત કિંમત 55 હજાર છે. તે કોઈ કાપી ગયું છે.
જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ઝાડ છીરીમાં રહેતા હાર્દિક દેસાઈ નામના વ્યક્તિએ કાપ્યા છે. અને તેના લાકડા બારોબાર વેચી દીધા છે. જેથી મૂળ વાડી માલિકે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ આધારે ડુંગરા પોલીસે હાર્દિક બીપીનચંદ્ર દેસાઈની ધરપકડ કરી બીજાની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી માલિકની પરવાનગી વિના જ ઝાડ કાપી તેના લાકડા બારોબાર વેચી દેતા IPC કલમ 379, 447, 427 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.