Sunday, December 22News That Matters

ચણોદ માં કાર ચાલકે સાયકલ સવાર કામદારને અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ ભાનુશાલી સમાજ વાડી નજીકના ચાર રસ્તા પાસે ગત રાત્રે એક કાર ચાલકે એક સાયકલ સવાર કામદારને અડફેટે લેતાં કામદારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અરેરાટી જનક આ ઘટનામાં અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ને ભાગી ગયો છે. ઘટના અંગે GIDC પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાપી GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી GIDC માં પૂજા ફેબ્રીકેશન નામના યુનિટ માં કામ કરતો 23 વર્ષીય રાહુલ તુલસીરામ પાલ નામનો યુવક મોડી રાતે તેની ડ્યુટી પુરી કરી સાયકલ પર ઘર તરફ આવતો હતો. ત્યારે ચણોદ કોલોની માં ચાર રસ્તા નજીક આવતી એક કારના ચાલકે તેને અડફેટે લીધો હતો. જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં કાર નજીકના વીજપોલ સાથે અથડાતા કાર નો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. જો કે,

અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને નાસી ગયો હતો.અકસ્માતની ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેઓએ પોલીસને અને મૃતકના પરિવારજનોને જાણકારી આપી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો. જ્યારે અકસ્માતમાં નુકસાન પામેલ કાર અને સાયકલ ને જીઆઈડીસી પોલીસ મથકે લાવવામાં આવી હતી. ઘટના બાદ મૃતકના પરિવારજનોએ પોલીસ મથકે આક્રોશ ઠાલવી અકસ્માત કરી 23વર્ષીય યુવકનુ મૃત્યુ નીપજાવનાર કાર ચાલક ને વહેલી તકે ઝડપી લઈ કાર્યવાહી કરવા માંગ કરી હતી.