દર વર્ષે 05 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 05 જૂન, 1973 ના રોજ “ફક્ત એક પૃથ્વી” “Only One Earth”ના સૂત્ર સાથે મનાવવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે 2024માં “Our land Our future” ના સૂત્ર સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વાપી GIDC માં VGEL, VIA દ્વારા ગ્રીન બેલ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, VIA પ્રમુખ, VGEL અને ઉદ્યોગકારો ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ પોકેટ ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
5 જૂન 2024 ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે VIA, VGEL, GIDC, NAA દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે બનાવેલ 2 પોકેટ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગ્રીન બેલ્ટમાં તૈયાર કરેલ આ ગાર્ડનમાં 30 હજાર જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કનુભાઈ દેસાઈએ અને VIA ના પ્રમુખ સતીશ પટેલે આ પહેલને આવકારી હતી. આ અંગે VIA સેક્રેટરી કલ્પેશ વોરા એ જણાવ્યું હતું કે, વાપી GIDCમાં આંબેડકર ચોકથી વિનંતી નાકા સુધીના ગ્રીન બેલ્ટ માં 10 હજાર સ્કેવર મીટર માં લગભગ 1 હજાર મોટા ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે. એ જ રીતે 1st ફેઈઝમાં 29 હજાર સ્કેવર મીટર માં SBI બેંકથી સેન્ટર ઓફ એક્સીલેન્સ સુધીના ગ્રીન બેલ્ટમાં પણ વિવિધ પ્રકારના 4 હજાર મોટા અને 20 હજાર અન્ય ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ પોકેટ ગાર્ડન માં લીમડો, ગરમાળો જેવા કાર્બન શોષી ઓક્સિજન આપતા વૃક્ષો અને ફળાઉ ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે. એ ઉપરાંત સેન્ટર ઓફ એક્સીલેન્સ અને CETP ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. VGEL દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે આવા ગ્રીન બેલ્ટ તૈયાર કરે છે. જેમાં વૃક્ષો વાવવા ઉપરાંત તેની સંપૂર્ણ માવજત કરવામાં આવે છે. આ ઉપરાંત બીટ પ્લાસ્ટિક અભિયાન હેઠળ કાપડની થેલી વિતરણ કાર્યક્રમ, અન્ય વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી લોકોને પર્યાવરણ બાબતે જાગૃત રહેવા અપીલ કરી હતી.
વાપી ઔદ્યોગિક વસાહત એશિયા ખંડનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ધરાવે છે, જેમાં ખાસ કરીને નાના પાયાના ઉદ્યોગો (SSI યુનિટ્સ) તથા સૂક્ષ્મ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSME) છે. ગુજરાત સરકાર અને વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા ઔદ્યોગિક પ્રદૂષણને રોકવા અને પાણી, હવા અને જમીન જેવા કુદરતી તત્વોનું જતન કરી તેનું સંરક્ષણ કરવા માટે વર્ષ 1997માં વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL)ની રચના કરવામાં આવી હતી.
વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ “કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP-વાપી)”, “TSDF લેન્ડફિલ ફેસિલિટી”-“કોમન સોલિડ વેસ્ટ પ્લાન્ટ (CSWP)” અને વર્લ્ડ ક્લાસ એનાલિટિકલ લેબનું સંચાલન અને જાળવણી, વાપી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલ ‘સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)’ માં કરે છે. વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના નિર્દેશો અને માર્ગદર્શિકા દ્વારા નિર્ધારિત પર્યાવરણીય ધોરણો અનુસાર પ્રદૂષણનું નિયંત્રણ કરે છે.વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડે પ્રકૃતિના સંરક્ષણ માટે એક સકારાત્મક પગલું ભર્યું છે. VGELએ VIAની ગ્રીન સોસાયટી સાથે મળી, વાપી ઔદ્યોગિક વસાહતને મોડેલ સ્ટ્રીટ તરીકે વિકસાવવા, સફાઈ અભિયાન, જાગૃતિ સત્રો અને પર્યાવરણ વિષયો પર સેમિનારનું આયોજન તેમજ વિવિધ હિસ્સાઓ અને ખુલ્લી જમીનો પર વૃક્ષારોપણ જેવી વિવિધ ઝુંબેશ સફળતાપૂર્વક હાથ ધરી છે. જેના થકી CETP-વાપી VGEL ખાતે, લગભગ 60% જમીન ગ્રીન બેલ્ટ તરીકે આવરી લેવામાં આવી છે.આજ ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે VGEL ના અધિકારી, કર્મચારી, ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતાં. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ઉપરાંત, VIA પ્રમુખ સતીશ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા, માજી પ્રમુખ કમલેશ પટેલ, મિલન દેસાઈ, ઉદ્યોગપતિ એ. કે. શાહ, સુનિલ શાહ, યોગેશ કાબરીયા, રાજુલ શાહ, મિતેષ દેસાઈ, હેમાંગ નાયક, રજનીશ આનંદ, જતીન મહેતા દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.