26મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં 525 રેલવે સ્ટેશન અને 1500 જેટલા રેલવે ફ્લાયઓવર/અંડરપાસના પુનઃવિકાસનો (Redevelopment) શિલાન્યાસ/ઉદ્દઘાટન કરવાના છે. જેમાં વલસાડ જિલ્લાના 4 રેલવે સ્ટેશન અને 3 અંડરબ્રિજનો સમાવેશ થતા જિલ્લાના નાગરિકોમાં ખુશીનો માહોલ છે. હાલ આ શુભઘડીને વધાવવા રેલવે વિભાગ તડામાર તૈયારીઓમાં જોતરાયું છે.
આ અંગે વલસાડ એરિયા મેનેજર અનુરાગ ત્યાગીએ ઉમરગામ અને વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, ‘અમૃત ભારત’ રેલવે સ્ટેશન અંતર્ગત “ઉમરગામ રોડ રેલવે સ્ટેશન’, વાપી રેલવે સ્ટેશન, ઉદવાડા રેલવે સ્ટેશન અને પારડી રેલવે સ્ટેશનનો Redevelopment સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ફેબ્રુઆરીએ વિડિઓ કોન્ફરન્સ ના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરશે. તેમજ શિલાન્યાસ કરશે. ગુજરાતના કુલ આવા 17 રેલવે સ્ટેશનનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે દેશભરમાં 525 રેલવે સ્ટેશન નો પુનઃવિકાસ થશે.
એ જ રીતે છેલ્લા ઘણા સમયથી રેલવે અન્ડરબ્રિજ ની કામગીરી ચાલી રહી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં રેલ્વે અંડર બ્રીજ, નં 72, ગૌરાત પાડા, દેહલી ગામ, સંજાણ ભિલાડ, રેલ્વે અંડર બ્રીજ નં.78, નાહુલી ગામ, કરમબેલી ગુડ્સ યાડઁ, કરમબેલી, રેલ્વે અંડર બ્રીજ નં 89, ગંગાજી ફાટક, પલસાણાનું ઉદ્દઘાટન કરશે. દેશભરમાં આવા કુલ 1500 જેટલા રેલવે ફ્લાયઓવર/અંડરપાસનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માં રેલવે સ્ટેશન પર સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. લિફ્ટ, એસકેલેટર, વેઈટીંગ એરિયા, પાર્કિંગ અને જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવે હેઠળ આવતા વલસાડ જિલ્લાના 4 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ ને લઈ રેલવેના અધિકારીઓ દ્વારા હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વલસાડ ભાજપ દ્વારા પણ દરેક રેલવે સ્ટેશને, અન્ડરબ્રિજ ના છેડે કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સૂચના આપી છે. જેઓ 26મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેઓને સાંભળશે.