આગામી દિવસોમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે. જેમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે, શાંતિ ડહોળાય નહિ તે માટે વલસાડ પોલીસ સજ્જ બની રહી છે. જે અંતર્ગત 13મી માર્ચે GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
વાપી GIDC વિસ્તારમાં વલસાડ જિલ્લા પોલીસના જવાનો અને RPF ના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. 12મી માર્ચે સવારે 10 વાગ્યે આયોજિત ફ્લેગ માર્ચ વૈશાલી ચાર રસ્તાથી શરૂ થઈ હતી. GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની આગેવાનીમાં યોજાયેલ આ ફ્લેગ માર્ચ અંગે તેઓએ આપેલી વિગતો મુજબ ફ્લેગ માર્ચમાં 1 PI, 3 PSI, તેમજ અન્ય પોલીસ અને RPF જવાનો મળી 30 જેટલા જવાનો જોડાયા હતાં.
ફ્લેગ માર્ચ વૈશાલી ચાર રસ્તાથી શરૂ કરીને ગુંજન ચોકડી થઈ રેમંડ સર્કલ, રોટરી સર્કલ, અંબા માતા મંદિર, C-ટાઈપ મસ્જિદ, મોરારજી સર્કલ, પ્રાઈમ સર્કલ થઈ ગુંજન ચોકી પર આવી હતી. જ્યાં ફ્લેગ માર્ચનું સમાપન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે. જેમાં વલસાડ જિલ્લામાં અને વાપી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે વલસાડ પોલીસ દ્વારા આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવી જ ફ્લેગ માર્ચ યોજાશે.