વાપીના ચણોદ ગામમાં નવ નિર્મિત સાર્થક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રારંભ પ્રસંગે ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. શાળાના 400 જેટલા બાળકોએ નવી શાળાના પ્રારંભે ઉપસ્થિત રહી શાળાના ટ્રસ્ટી અને સંચાલક એવા ધર્મેન્દ્ર રાય અને સરોજ રાયને પગે લાગ્યા હતાં. શાળા સંચાલક દંપતીએ પણ દરેક બાળકને આલિંગન કરી શાળાના પ્રારંભની ખુશી વ્યક્ત કરી હતી. તો, શિક્ષક-છાત્રોનો એકબીજા પ્રત્યેનો આ પ્રેમ જોઈ ઉપસ્થિત વિદ્યાર્થીઓના વાલીઓ, ગ્રામજનોની આંખોમાં પણ હર્ષના આંસુ છલકાયા હતાં.
વાપીના ચણોદ વિસ્તારમાં છેલ્લા 18 વર્ષથી શિક્ષણની જ્યોત જગાવતા અને સ્થાનિક ગરીબ પરિવારના બાળકોને સામાન્ય ફી માં અંગ્રેજી ભાષા સહિત હિન્દી ભાષાનું જ્ઞાન આપતા ધર્મેન્દ્ર રાય અને સરોજ રાય નામના દંપતીએ સાર્થક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો પ્રારંભ કર્યો છે.
ચણોદના આરાધના નગરમાં શરૂ થયેલ આ શાળાનું નામ સાર્થક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ છે. જેનું બુધવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલક દંપતી એવા ધર્મેન્દ્ર રાય અને સરોજ રાયે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ શાળામાં ચણોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં અને આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકોને ઉચ્ચ કોટીનું શિક્ષણ આપવામાં આવશે.
ખુબજ ઓછી ફી લઈ શાળામાં નર્સરીથી લઈને ધોરણ આઠ સુધીના બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે. હાલ આ શાળામાં 400 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે શાળામાં તાલીમસજ્જ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જે શાળાના વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ પૂરું પાડવાના છે. શાળામાં સુંદર ક્લાસરૂમ સહિત શૈક્ષણિક તમામ સગવડ ઊભી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક ક્ષેત્રે 18 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા સંચાલક દંપતીની શાળાના પ્રથમ દિવસે જ બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો શાળાના આ મુખ્ય સંચાલક દંપતિને પગે લાગ્યા હતા અને ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. શિક્ષણ પ્રત્યેનો ગુરુ-શિષ્યનો આ ઉત્સાહ જોઈ ઉપસ્થિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી. શિક્ષક દંપતીને પગે લાગતા અને આલિંગન કરતા વિદ્યાર્થીઓને જોઈ તમામની આંખના ખૂણા હર્ષના આંસુથી ભીના થયા હતા.