વાપીના રાજસ્થાન ભવન ખાતે, રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી, દમણ,સેલવાસ ના સહયોગમાં, વાપીના પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરસેવિકા સ્વ. મંજુ દાયમાની 17મી પૂણ્યતિ઼થી નિમિત્તે દાયમાં પરિવાર દ્વારા વિશાલ રક્તદાન શિબિર અને રક્તવીર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 501 યુનિટ જેટલું રક્ત એક્ત્રીત કરવામાં આવ્યું હતું. વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગમાં દાયમાં પરિવારના બી. કે. દાયમાં દ્વારા છેલ્લા 17 વર્ષથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે રાજસ્થાન ભવન ખાતે યોજાયેલા રક્તદાન અને રક્તવીર સન્માન સમારોહ નિમિતે ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તનું દાન કરતા કુલ 501 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ વિરહના દિવસને સેવાના અવસરમાં પલટવા અંગે સ્વર્ગીય મંજુ દાયમાંની પુત્રી પ્રિયા દાયમાં અને પરિવારના મોભી બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે સ્વ. મંજુ દાયમા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. ભુજના ભૂકંપ વખતે અને કારગીલ યુદ્ધ વખતે મોટી માત્રામાં લોહીની જરૂરિયાત ઉભી થઇ હતી. જે જાણ્યા બાદ તેઓએ રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા રક્તદાન શિબિર ની શરૂઆત કરી હતી. આજે આ શિબિરથી મહિલાઓમાં રક્તદાન અંગે ખૂબ જ જાગૃતિ આવી છે. તેમના નિધન બાદ પ્રથમ પુણ્યતિથીએ 100 યુનિટથી રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જેની આ 17મી પુણ્યતિથિએ 501 યુનિટ રક્ત એકત્ર કરવામાં સફળતા મળી રહી છે. તો રક્તદાન કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજસ્થાન ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ દાધિચએ જણાવ્યું હતું કે, દાયમાં પરિવાર સ્વ. મંજુ દાયમાની સ્મૃતિમાં સતત 17 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરી વાપીની હોસ્પિટલમાં દર્દીઓ માટે લોહીની ઘટનું નિરાકરણ લાવતા રહ્યા છે. રક્તની ઘટ નિવારવા રક્તદાન જેવું પુણ્યરૂપી દાનનું કામ વાપીમાં થતું હોય, આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થવાથી નવી ઉર્જા મળે છે. તેમના આ પ્રયાસમાં વાપીની અન્ય સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગકારો, ઉદ્યોગોના કર્મચારીઓ, રક્તદાતાઓ સતત મદદરૂપ બની રહ્યા છે. આ સરાહનીય અને સેવાના કાર્ય માટે દાયમાં પરિવાર અને રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ને શુભકામના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે સ્વ. મંજુ દાયમાં વાપી નગરપાલિકાના પૂર્વ નગરસેવિકા હતા. સમાજમાં લોકોને રક્તદાન પ્રત્યે અને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાની નેમ હતી. જેની યાદમાં દર વર્ષે તેની પૂણ્યતિથી નિમિત્તે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ 17મી પૂણ્યતિથી હતી. જેમાં 501 યુનિટ રક્ત એક્ત્ર કરવામાં આવ્યું હતું. જે માટે વાપી, દમણ, પારડી, વલસાડ, સેલવાસના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં વાપીના રાજકીય આગેવાનો, ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના મોવડીઓએ તમામનું સ્વાગત કરી રક્તવિરોનું સન્માન કર્યું હતું.