Friday, October 18News That Matters

કરમબેલેથી JN પોર્ટ વચ્ચે શરૂ થયેલ કન્ટેઈનર સેવા પડી ભાંગી, ઉધોગોને ફાયદો થવાની આશા પર પાણી ફરી વળ્યું

ભારતીય રેલવેની સહયોગી સંસ્થા CONCOR કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વાપી નજીકના કરમબેલે ગૂડસયાર્ડથી જવાહરલાલ નહેરુ પોર્ટ JNP વચ્ચે 2018-19માં કન્ટેઇનર સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે, પાંચ વર્ષે આ સેવા ટ્રાન્સપોર્ટરો ને કે ઉદ્યોગોને ફળી નથી. વર્ષ 2018-19માં કરમબેલેથી સુરથકાલ વચ્ચેની રો-રો ફેરી સર્વિસની માલ સહિત ટ્રકને ટ્રેન પર લઇ જવાની સર્વિસ શરૂ કર્યા બાદ કન્ટેનર સેવા શરૂ કરી હતી. હાલ આ સેવા પડી ભાંગી છે. જે અંગે સંચાલન કરનાર એજન્સી અને ટ્રાન્સપોર્ટરોનું શુ મંતવ્ય છે. તે અંગે વાંચો આ વિસ્તૃત અહેવાલ

આ મહત્વની કન્ટેઈનર સેવાથી વલસાડ જિલ્લા સહિત દમણ, સેલવાસના ઉદ્યોગોને મોટા પાયે ફાયદો થશે તેવી આશા બંધાઈ હતી. ભારતીય રેલવે વિભાગ દ્વારા 2019માં આ નવતર સેવા શરૂ કરવામાં આવી હતી. ભારતીય રેલવેની સહયોગી સંસ્થા CONCOR કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વાપી નજીકના કરમબેલી ગૂડસયાર્ડથી જવાહરલાલ નહેરુ પોર્ટ JNP વચ્ચે આ કન્ટેઇનર સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાથી આ વિસ્તારના ઉદ્યોગોને ખુબ મોટાપાયે ફાયદો થઈ શકે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જો કે સેવા શરૂ કર્યા બાદ હાલમાં 5 વર્ષના સમયગાળામાં મહિને અને વર્ષે કેટલા કન્ટેનર જાય છે. કેવા પ્રકારનું મટિરિયલ્સ અહીં આવે છે. તે અંગે કરમબેલા યાર્ડના CGC વિશાલ નાયર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સેવાની શરૂઆત સમયે સારો રિસ્પોન્સ મળ્યો હતો. જે બાદ હાલમાં મહિને માત્ર 6 થી 7 કન્ટેનરનું જ બુકીંગ મળી રહ્યું છે. જે મુજબ 5 વર્ષની સરેરાશ કાઢીએ તો માત્ર 140-150 કન્ટેનરનું સરેરાશ બુકીંગ આવ્યું છે.

કૉંકોર દ્વારા વેસ્ટર્ન રેલવે સાથે કન્ટેઇનરની આ પ્રથમ સેવા વાપી નજીકના કરમબેલેથી જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, વાપી, દમણ અને દાદરા નગર મળીને અહીં મોટાપાયે ઉદ્યોગો હોય તેમાં રોજના 4000 જેટલી ટ્રક આવાગમન કરતી હોય તેનો ટ્રાફિક મળશે. પરંતુ યાર્ડ પર રેલવે રેક માટે એક જ ટ્રેક છે. જેના પર સિમેન્ટ અને અન્ય પાર્સલ સેવા ચાલુ છે. જ્યારે એજ રીતે જવા માટે પણ એક જ ટ્રેક હોય ટ્રેન આવ્યા બાદ તેની સેવા માટે બુકીંગ થાય તે બાદ જ તેને રવાના કરવી પડે છે. જેમાં ખાસ્સો સમય નીકળી જાય છે.

એ ઉપરાંત વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સભ્ય અરવિંદ શાહના જણાવ્યા મુજબ કન્ટેનર કે ટ્રક રેલવે રેક પર મોકલવા પહેલા GST માં તમામ વિગતો ભરવી પડે છે. જે રૂટ ટ્રક નો હોય છે. જ્યારે ટ્રેનનો રૂટ અલગ હોય અને સમયસર ટ્રેનમાં તે મોકલી શકવામાં આપદા આવતી હોય આ સેવા પ્રત્યે ટ્રાન્સપોર્ટ સંચાલકોમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી.

2019માં પ્રથમ કન્ટેઇનર સાથેની ટ્રેઈન કરમબેલી ગૂડસયાર્ડ ખાતે આવી હતી. ત્યાં સુધી આ વેપાર હાઇવે દ્વારા થતો હતો. વાહનમાર્ગે મસમોટા કન્ટેઇનર પોર્ટ સહિત અન્ય રાજ્યોમાં જતાં હતાં. તેમાના મોટાભાગના આયાત-નિકાસના કન્ટેનર માટે કૉંકોર દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી હતી. જેનાથી વેપારીઓને વધુ સારી ફેસિલિટી પ્રોવાઇડ થવાની. તેમજ લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થવાની આશા સેવી હતી. જે હાલ પાંચ વર્ષે પણ ફળી નથી. હાલમાં સિમેન્ટ, યાર્ન, પાર્સલ પૂરતી આ સેવા સમિતિ રહી છે. મહિને 7થી 8 કન્ટેનર સિમેન્ટ, 6 થી 7 કન્ટેનર પાર્સલ ના આવે છે. જવામાં 6 થી 7 કન્ટેનર ખાતર કે યાર્ન નું બુકીંગ થાય છે.

રેલવે વિભાગ દ્વારા જે તે સમયે એવો આશાવાદ સેવવામાં આવ્યો હતો કે, આજના ગ્લોબલ વોર્મિંગના વધતા પ્રમાણને ઘટાડવા આ ગ્રીન લોજિસ્ટિક સર્વિસ ફળશે. મહિનામાં 10 ટ્રેન આવશે, જે બાદ દરરોજની એક ટ્રેનના હિસાબે 50,000 કન્ટેનરની કરમબેલેથી JNP વચ્ચે આયાત નિકાસ થશે. રેલવેને મહિને 3 કરોડ જેટલી માતબર રેવન્યુ પણ પ્રપ્ત થશે. હાલમાં દરરોજની અંદાજીત 25 હજાર જેટલી ટ્રક ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ આવાગમન કરે છે. જેનાથી વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. તે પ્રમાણ પણ ઘટશે. જો કે, અંકલેશ્વર અને બોઇસર માં આ સેવાને સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ કરમબેલે ખાતે નિષ્ફળ સેવા સાબિત થઈ છે.

આ સેવાના ફાયદા અંગે એવી પણ કલ્પના સેવવામાં આવી હતી કે, વાપી, ઉમરગામ, સેલવાસ, દમણના ઉદ્યોગકારોને ફાયદો થશે. તે બાદ આ સેવા હજીરા સુધી લંબાવવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માંગતા ઉદ્યોગકાર કે વેપારીએ કરમબેલે, વલવાડા CWCનો સંપર્ક કરવાનો રહેશે, તો વેપારીઓ CHA દ્વારા બુકિંગ પણ કરી શકશે. આમાં કોઈ વચેટિયાની ભૂમિકા નહિ હોય. વેપારીઓ, ઉદ્યોગકારો સીધા જ કૉંકોર સર્વિસ સાથે માલની આયાત નિકાસ કરી શકશે. જો કે પાંચ વર્ષે પણ આ કલ્પના કલ્પના જ રહી છે.

concor એટલે કે container corporation of india રેલવે વિભાગની સહયોગી કન્ટેનર સેવા છે. સમગ્ર ભારતમાં કૉંકોરની સેવાને અંદાજિત 100 ICD સુધી લઇ જવાની નેમ છે. કૉંકોર પાસે પોતાની 256 થી વધુ ટ્રેન પણ છે. જેના દ્વારા વર્ષે દહાડે કરોડો કન્ટેનરની હેરફેર કરવામાં આવે છે. વાપી નજીકના કરમબેલેથી જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની શરૂ કરાયેલી સેવામાં 50,000 કન્ટેનરની દર મહિને હેરફેર કરવાનો સંકલ્પ હતો. તો, વેસ્ટર્ન રેલવે દ્વારા કોમર્શિયલ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. roll on roll off એટલે કે રો-રો સર્વિસ નામની આ સર્વિસથી વાપીથી બેંગ્લોર તરફ માલસામાનની હેરફેરમાં રેલ્વે પોતાની ટ્રેનના રેક પર એક સાથે 50 ટ્રકને લઈ જાય એ માટે આ સર્વિસની શરુઆત 20મી સપ્ટેમ્બર 2018ના સુરથકાલથી કરવામાં આવી હતી. ટ્રક સાથેની ટ્રેન વાપી નજીકના કરમબેલી ગુડ્સ યાર્ડથી બેંગલોર મોકલવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ટ્રેનના રેક પર એક સાથે 50 ટ્રકને બેંગલોર તરફથી વાપી અને વાપીથી બેંગ્લોર તરફ લાવવા લઇ જવાની સર્વિસથી માર્ગો પર અનેકગણું ટ્ર્ફિકનું ભારણ ઘટશે, જેનાથી રેલવેને તો, ફાયદો થશે જ પરંતુ આ સાથે ટ્રાન્સપોર્ટરોને અને વેપારીઓને પણ અનેકગણો ફાયદા થશે. જો કે, આ એક પણ સંકલ્પ રેલવે વિભાગ અને ટ્રાન્સપોર્ટર, ઉદ્યોગકારો સાથેના સંકલનના અભાવે ફળીભૂત થયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *