વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો એક પોલીસ કોન્સ્ટેબલ 3 લાખની લાંચ ની રકમ સ્વીકારી ACB ના છટકામાંથી છટકી જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ACB ની ટીમને ચકમો આપી નાસી ગયેલ પોલીસ કોન્સ્ટેબલે હાલમાં દારૂના ધંધાને છોડી દેનાર ફરિયાદી પાસે 5 લાખની લાંચ માંગી હતી જે નહિ આપે તો દારૂના કેસ ખોલી ફિટ કરી દેવાની ધમકી આપી હતી. અંતે 3 લાખની રકમ સ્વીકારી હતી. જો કે, ACB ની ટીમ ઝડપે તે પહેલાં કાર મૂકી નાસી ગયો હતો. ACB ની ટ્રેપને ચકમો આપી ફરાર પોલીસ કોન્સ્ટેબલ નું નામ આશિષ માયાભાઈ કુવાડિયા છે. જે 3 લાખની રકમ સ્વીકારી નાસી જતા ACB ની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
વાપીમાં ભરૂચ ACB ની ટીમ દ્વારા વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડિયાને 3 લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડવા જતા કોન્સ્ટેબલ નાસી છૂટ્યો છે. આ અંગે ACB એ અખબારી યાદી બહાર પાડી જણાવ્યું છે કે, લોકલ ક્રાઇમ બ્રાંચ વલસાડમાં ફરજ બજાવતા અને શુભમ ગ્રીન સીટી, બગવાડા, ઉદવાડા ટોલનાકા ખાતે રહેતા આશીષભાઈ માયાભાઈ કુવાડીયા, અ.પો.કો., બ. નં. 828ના એ ફરીયાદી અગાઉ ઈગ્લીશ દારૂનો ધંધો કરતા હોય, હાલ દારૂનો ધંધો ન કરતો હોવા છતાં વલસાડ જીલ્લામાં દારુના કેસોમાં ફરીયાદીનુ નામ ખોટી રીતે ખોલી ખોટા કેસો કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માંગ કરી હતી.
જે રકઝકના અંતે રૂ. 3 લાખ આપવાના નક્કી કરેલ હતાં. જે લાંચની રકમ રૂ. 3 લાખ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ ACB પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે આવી ફરીયાદ આપી હતી, જે ફરીયાદીની ફરીયાદના આધારે ACB વડોદરા એકમના મદદનીશ નિયામક પી. એચ. ભેંસાણીયાના સુપરવીઝનમાં ટ્રેપીંગ અધિકારી એસ.વી.વસાવા,પોલીસ ઇન્સ્પેકટર, ACB ભરૂચ તથા સ્ટાફે ઉદવાડા ઓવરબ્રીજ નજીક લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું,
જો કે, LCB પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડીયા એ ફરીયાદી પાસેથી 3 લાખની રકમ સ્વીકારી હતી. આ રકમ પોતાની ગાડીમાં મુકાવી હતી. જે દરમ્યાન ACB ના છટકાની ગંધ આવી જતા અને ACB ની ટીમને જોઈ જતા કાર મૂકી નાસી છૂટ્યો હતો. જેને ઝડપી પાડવા ACB ની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.