Friday, January 31News That Matters

બિસ્માર બનેલા વાપી-શામળાજી નેશનલ હાઇવે 56 પર કોંગ્રેસનું ખાડાપૂજન, સપ્તાહમાં ડામર રોડ નહિ બને તો રોડ પર રસોઈ બનાવી રસ્તા રોકો આંદોલન કરશે…..!

વાપીના કરવડ વિસ્તારમાંથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56 હાલ અત્યંત બિસ્માર બન્યો છે. ત્યારે, આ માર્ગ પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરોએ ખાડાપૂજન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. સપ્તાહમાં જો ડામર રોડ નહિ બને તો રસ્તા રોકો આંદોલન કરી, એક સપ્તાહ સુધી રસ્તા પર બેસી રસોઈ બનાવી જમણવાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. જો કે આ મહત્વના વિરોધ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર પ્રમુખ સહિત કોંગ્રેસના અગ્રણીઓની સૂચક ગેરહાજરી પણ જોવા મળી હતી. 

વાપી નજીક આવેલ કરવડ વિસ્તારમાંથી પસાર થતા અને હાલમાં અત્યંત બિસ્માર બનેલા વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર 56 પર કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રસ્તા પર બેસી ખાડા પૂજન કર્યું હતું. તેમજ ભાજપ સરકારનો હુરિયો બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ ખાડા પૂજન બાદ બિસ્માર માર્ગ અંગે ધારાસભ્ય અનંત પટેલે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું. આખા ગુજરાતમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વખણાય છે. આ વિસ્તાર ગુજરાતના નાણામંત્રીનો મત વિસ્તાર છે. તેમ છતાં વાપી થી શામળાજી રોડ અત્યંત ખરાબ દશામાં છે. કોંગ્રેસે રસ્તા પર પડેલા ખાડાઓનું પૂજન કરી વિરોધ વ્યક્ત કર્યો છે. જો સરકાર સાનમાં નહીં સમજે તો રસ્તા રોકો આંદોલન કરી એક સપ્તાહ સુધી આ હાઈવે ચોક-અપ કરીશું.

અનંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બિસ્માર માર્ગ પર ડામર ક્યાંય દેખાતો નથી. રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડે છે જેનાથી વાહન ચાલકો શ્વાસની ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે. જો કે તેમના આ વિરોધથી સરકાર સતત ડરેલી ગભરાયેલી છે. બિસ્માર રોડના આંદોલનથી અમે લોકોની સાથે રહીએ છીએ એટલે હવે પછી અઠવાડિયામાં જો રસ્તાની મરામત નહીં થાય તો અમે રસ્તા રોકો આંદોલન કરીશુ. રસ્તા પર જ રસોઈ બનાવીશું અને જમણવાર પણ આ રસ્તા પર જ કરીશું. જ્યાં સુધી ડામર રોડ નહિ બને ત્યાં સુધી રસ્તા પર ખાડાઓનું પૂજન કરતા રહીશું.

તો, ખાડા પૂજન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા વાપી પાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ અને નગરસેવક પીરું મકરાણીએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, આ રોડ 14 વર્ષથી આજ હાલતમાં છે. દર વર્ષે ચોમાસા પહેલા રોડ ખોદાઈ જાય છે. દર વર્ષે આંદોલન કરીએ છીએ. મરામત માટે કરોડોની રકમ પાસ કરે છે. તો આ પૈસા ક્યાં જાય છે શું આ પૈસા અધિકારીઓ ખાઈ જાય છે કે શાસક પક્ષ ખાઈ જાય છે.

એક તરફ નીતિન ગડકરી 12 કલાકમાં રસ્તો બનાવવાની ગુલબાંગ મારે છે. તો આ રસ્તો કેમ 14 વર્ષથી બનતો નથી. ખરાબ રસ્તાના કારણે અનેક વાર અકસ્માત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. એટલે એવી જાનહાની થાય તેવી પ્રાર્થના કરવા ખાડા દેવની પૂજા કરી છે. આ બિસ્માર માર્ગ પર અનેકવાર પ્રસૃતાની ડિલિવરી થઈ ગઈ છે. રસ્તાની મરામત માટે PWD ના અધિકારીઓને રજૂઆત કરવા જઈએ છીએ તો ત્યાં અધિકારીઓ ફોન નથી ઉચકતા. બે-બે કલાક રાહ જોવડાવે છે. આ આંદોલન સાથે આ મામલે પણ ઉગ્ર રજૂઆત કરીશું. બિસ્માર રોડના લીધે કેટલાય ઘરના દીપક બુઝાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ખાડાપૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. પરંતુ, આ મહત્વના વિરોધ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર પ્રમુખ સહિત કોંગ્રેસના અગ્રણીઓની સૂચક ગેરહાજરી પણ જોવા મળી હતી. ઉપસ્થિત કાર્યકરોએ રસ્તો રોકી ખાડા પૂજન કરતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે PI, PSI સાહિતનો પોલીસ કાફલો ખડેપગે રહ્યો હતો. વાપી મામલતદાર પણ સ્થળ પર હાજર રહ્યા હતાં. તો, કોંગ્રેસની ખાડાપૂજનની જાહેરાત બાદ સફાળું જાગેલું તંત્ર પણ રસ્તાની મરામતમાં જોતરાયેલું જોવા મળ્યું હતું.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *