વાપીમાં આવેલ ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે એક વકીલ પિતા અને તેના પુત્ર અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારી સાથે બોલાચાલી બાદ મારામારી થતા મામલો GIDC પોલીસ મથકે પહોંચ્યો હતો. GIDC પોલીસ મથકે બન્ને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. જેઓએ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધર્યા બાદ બન્ને પક્ષે સમાધાન કરી મામલા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.મળતી વિગતો મુજબ વાપીના જાણીતા વકીલ અને તેમનો પુત્ર કોમ્પ્લેક્ષ ના આવાગમન ના રસ્તા પર ઉભા હતા અને અંદરો અંદર કોઈ વાત ને લઈ વાતચીત કરી રહ્યા હતાં. તે દરમ્યાન આ જ કોમ્પ્લેક્ષમાં ફાઈનાન્સની ઓફિસ આવેલી હોય તેનો એક કર્મચારી ત્યાંથી પસાર થયો હતો. જેણે વકીલ અને તેના પુત્રને રસ્તો આપવા બાબતે કહેતા વકીલ અને કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.મારામારીના આ દ્રશ્યો ઉપસ્થિત અન્ય લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતાં. જેમાં વકીલ અને તેનો પુત્ર બન્ને ફાઇનાન્સ ઓફિસના કર્મચારીને માર મારતા જોવા મળી રહ્યા છે. જો કે, આ ઘટનામાં ફાઇનાન્સ ઓફિસના કર્મચારી ને માર માર્યો હોવાનું જાણી ફાઇનાન્સ ઓફિસના અન્ય કર્મચારી અને સંચાલક પણ દોડી આવ્યા હતાં. જેઓએ વકીલ અને તેના પુત્ર ને માર માર્યો હતો. આમ બન્ને તરફ સામસામેની મારામારી બાદ વકીલ GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતાં. તો, ફાઇનાન્સ સંચાલક પણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતાં. જ્યાં બન્ને પક્ષે આખરે સમાધાન કરી લીધું હતું.
ઘટનાની જાણ થતાં અન્ય વકીલો પણ પોલીસ મથકે દોડી આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે બપોરે ત્રણેક વાગ્યાથી મોડી રાત સુધી બન્ને પક્ષનો પોલીસ મથકમાં ધસારો રહ્યો હતો. પોલીસ મથકે પોલીસે બન્ને પક્ષની દલીલો સાંભળી હતી. જેમાં બન્ને પક્ષ સમાધાન માટે રાજી થતા આખરે સમાધાન બાદ મામલો થાળે પાડ્યો હતો.