વાપી GIDC ઉપરાંત સરીગામ અને ઉમરગામ GIDC માં આવેલ કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ ઉપાડનારા ભંગારીયાઓ છીરી, છરવાડા, બલિઠા, સલવાવને બદનામ કરી ચુક્યા છે. આ ભંગારીયાઓ હવે, કરવડ પંચાયત વિસ્તારમાં પોતાના ગોદામ બનાવી આ વિસ્તારમાં જળ જમીન જંગલ ને મોટે પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ગેરકાયદેસર ગોદામો પર્યાવરણને નુકસાન પહોંચાડવા સાથે માનવ જીવનના આરોગ્ય સાથે પણ ચેડાં કરી રહ્યા છે.
કરવડ વિસ્તારમાં હાલ મોટેપાયે ભંગારીયાઓએ ગોદામ બનાવ્યા છે. અનેક એકરની ખુલ્લી જમીનમાં GIDC નો વેસ્ટ ઠાલવી રહ્યા છે. આ વેસ્ટમાં આવતી પ્લાસ્ટિક, પેપર, કાંચ ની બોટલો, ગમ, વેસ્ટ ડ્રમ, અને ટેક્સટાઇલ્સ કંપનીઓના વેસ્ટનો સમાવેશ થાય છે. જેમાંથી જે વેસ્ટ રિસાયકલ તરીકે ઉપયોગ થાય તેની છટણી કરે છે. બાકીનો બચેલો વેસ્ટ અહીં જ રાત્રી દરમ્યાન કે દિવસ દરમ્યાન સળગાવી રહ્યા છે.
આ વિસ્તારમાં ગેરકાયદેસર ભંગાર ના ગોદામ બનાવી આ ભંગારીયાઓ માલામાલ થઈ રહ્યા છે. ભંગારના ગોદામ માં મજૂરો કામ કરે છે. જેનું શોષણ કરવા ઉપરાંત તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. ગેરકાયદેસર ગોદામ માલિકોએ સેફટીને ક્યાંય પ્રાધાન્ય આપ્યું નથી. ક્યાંય કોઈ નોંધણી કરી નથી. ક્યાં ગોદામમાં કેટલા મજૂરો કામ કરે છે. એ કયાના છે. તેનો કોઈ રેકોર્ડ તંત્રને આપતા નથી. મજૂરોને પણ સામાન્ય મજૂરીમાં કામ કરાવે છે. આ વિસ્તારમાં CCTV કેમેરા નથી. જેથી અનેક પ્રકારની અપરાધિક ગતિવિધીને પ્રોત્સાહન મળી રહ્યું છે.
લગભગ એકલા કરવડમાં જ 1000 થી વધુ નાનામોટા ગોદામો છે. જેમાં વાપી GIDC અને સરીગામ GIDC માં આવેલ કેમિકલ ફેક્ટરીઓનો વેસ્ટ લાવી ઠાલવવામાં આવે છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓની બોટલો સહિતનો જથ્થો ઠાલવી તેના ટુકડા કરવાનો ધીકતો ધંધો ચાલે છે. પ્લાસ્ટિક કંપનીઓમાંથી પ્લાસ્ટિક લાવી તેના ટુકડા કરવા, પાવડર બનાવવો, પ્લાસ્ટિકના દાણા બનાવવા જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.
તો, ટેક્સટાઇલ્સ કંપનીઓમાંથી દોરા કાપડ નો જથ્થો, ગમ વગેરે પણ અહીં જ લાવવામાં આવે છે. જેમાંનો મોટા ભાગનો જથ્થો નોન રિસાયકલ છે. જે જથ્થો આ વિસ્તારમાં જ સળગાવવામાં આવે છે. અથવા તેને દાટી દેવામાં આવે છે કે, નજીકના નદીનાળામાં વહેતો કરવામાં આવે છે.
આ મામલે તંત્રએ તાત્કાલિક જાગૃત બની પગલાં લેવા જરૂરી છે. જો કે સુત્રોનું માનીએ તો આ ભંગારીયાઓ ને કારણે કરવડ પંચાયત ને તેમજ અન્ય મોટાભાગના તમામ સરકારી વિભાગોને લીલાલહેર છે એટલે આ બદી ને નાબૂદ કરવાને બદલે તેને ફેલાવવામાં આવી રહી છે. જો આ અંગે કોઈ કાર્યવાહી નહિ થાય તો આગામી દિવસમાં આ ગેરકાયદેસર ગોદામો પર્યાવરણને અને માનવ જીવનના આરોગ્ય માટે મોટો ખતરો બની ચુક્યા હશે.