વાપી GIDC માં છેલ્લા ઘણા સમયથી પેપરમિલોનો ભીનો સ્લજ સગેવગે કરવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ કાળા કારોબારમાં શેહબાઝ અને શેહઝાજ નામના ભાઈઓ મોટેપાયે સંકળાયેલ છે. આ વ્યક્તિઓ વાપીની અલગ અલગ પેપરમિલોમાંથી આ સ્લજ ભરાવી તેંને L&T, અમ્બુજા, અલ્ટ્રાટેક જેવી સિમેન્ટ ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલે છે. જેમાં મોટેભાગે ટ્રક માં ભરેલો સ્લજ ભીનો હોય, પાણી નીતરતો જ ભરવામાં આવે છે.
ટ્રક માં ઠસોઠસ ભરેલ આ નોન રિસાયકલ વેસ્ટનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર સતત પડતું રહે છે. જેનાથી રસ્તાઓ ખરાબ થવા સાથે વાહન ચાલકો ના વાહનોને ગંદા કરે છે. કેટલાક વાહનના કાચ પર ગંદા પાણીના છાંટાથી ખરાબ થઈ રહ્યા છે. દ્વિચક્રી વાહન ચાલકો, રાહદારીઓને પણ આ ગંદા પાણીના છાંટા ઉડતા હોય અકસ્માત જેવા બનાવો બની રહ્યા છે.
આ કાળા કારોબારને લઈ લોકોને અનેક મુશ્કેલી પડતી હોય એ અંગે આસપાસના લોકો દ્વારા કંપની સંચાલકોને રજુઆત પણ કરવામાં આવે છે. તેમ છતાં માત્ર પોતાનું ભલું કરવામાં રચ્યા રહેતા સંચાલકો તેમજ GPCB ના અધિકારીઓ આ અંગે કોઈ જ કાર્યવાહી કરતા ના હોવાનું લોકોનું કહેવું છે.
સુત્રોનું માનીએ તો, આ ભીંના સ્લજ ને ટ્રક માં ભરી પાણી નીતરતી હાલતમાં રસ્તા પર લઈ જવામાં સંચાલકો અને GPCB ના અધિકારીઓની રહેમ નજર પણ આ ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિઓ પર રાખવામાં આવે છે. એટલે હવે આ બદી દિનબદીન વધતી રહી છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો કદાચ એકાદ દિવસ મોટો અકસ્માત નોતરીને રહેશે. એ ઉપરાંત સ્વાસ્થ્યને લગતી ગંભીર બીમારીઓના ભરડામાં લોકોને ભેરવશે.
આ શેહબાઝ-શેહઝાજના આ કાળા કારોબાર સામે કંપની સંચાલકો અને GPCB ના અધિકારીઓ જાગૃત બની કાર્યવાહી કરે તેવી માંગ લોકોમાં ઉઠી છે. વાપી-સરીગામની પેપરમિલ-કેમિકલ ફેક્ટરીમાંથી દરરોજ મોટાપાયે હેઝર્ડ, નોનહેઝર્ડ પ્રકારનો નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ નીકળે છે. આ વેસ્ટ મોટેભાગે સિમેન્ટ ફેક્ટરીઓમાં તેમજ અન્ય નિકાલની સાઇટ પર મોકલવામાં આવે છે.
સિમેન્ટ ફેક્ટરીઓમાં મોકલાતા આ નોન રિસાયકલ વેસ્ટ માટે GPCB ના નિયમોનું પાલન કરવા સાથે ઉદ્યોગ સંચાલકોએ મોકલવો અનિવાર્યતા છે. ભીના વેસ્ટને મોકલી શકતા નથી. તેમ છતાં આ વેસ્ટની હેરાફેરી કરનારા GPCB ના નિયમોને ઘોળીને પી જવામાં જરા પણ નાનપ અનુભવતા નથી. કદાચ GPCB ના અધિકારીઓની જ રહેમ નજર હોય તો નવાઈ નહિ.