વાપીમાં ઇસ્ટ-વેસ્ટને જોડવા 144 કરોડના બની રહેલા રેલવે ઓવરબ્રિજ અને રેલવે અન્ડરબ્રિજ ના મંથરગતિએ ચાલતા કામકાજથી પ્રજા પરેશાન છે. ત્યારે, હવે આ કામકાજ કરનારી કન્સ્ટ્રકશન કંપનીની બેદરકારીએ વાહનચાલકો ખાડાઓમાં ખાબકી રહ્યા છે.ઘટના અંગે વિગતે વાત કરીએ તો, સોમવારે રાત્રીના 10 વાગ્યાં આસપાસ એક મહારાષ્ટ્ર પાર્સિંગનું બાઇક લઈ નીકળેલ બાઇક ચાલક RUB ના કામકાજ માટે ખોદેલા ખાડામાં ખાબક્યો હતો. આ ખાડા આસપાસ કોઈ જ પ્રકારનું કોર્ડન કરવામાં આવ્યું ના હોય બાઇક ચાલક 20 ફૂટથી ઊંડા ખાડામાં બાઇક સમેત ખાબક્યો હતો. ઘટનામાં બાઇક ચાલકને માથાના અને પગના ભાગે ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ આ સ્થળે આ બીજી એવી ઘટના છે કે, જેમાં બાઈક ચાલક આ ખાડામાં ખાબક્યો હોય અને તેને ઇજાઓ થઈ હોય. મળતી માહિતી મુજબ આ ROB અને RUB પ્રોજેકટ PWD હસ્તક છે. અને રચના કન્સ્ટ્રકશન કંપની તેનું કન્સ્ટ્રકશન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, RUB, ROB ના કામકાજ દરમ્યાન ખાડાઓની આસપાસ અને બ્રિજના પિલરોની આસપાસ કોન્ટ્રકટર દ્વારા સાવચેતી માટે કોઈ જ પ્રકારની આડશ ઉભી કરી ના હોય આવી ઘટનાઓ બની રહી છે. આશા રાખીએ કે આ અંગે જે તે એજન્સી તકેદારી દાખવે એ જરૂરી છે. નહિ તો હાલમાં માત્ર ઇજાગ્રસ્ત થતા બાઈકચાલકોનો જીવ પણ જઈ શકે છે. કોન્ટ્રકટરને છાવરવા પાણી પેલા પાળ બાંધનાર અધિકારીઓ આ અંગે સજાગ બને તેવી શહેરીજનોની માંગ છે.