Friday, October 18News That Matters

વાપીમાં બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરી મેઘાવી છાત્રોને સન્માનિત કર્યા

વસંત પંચમીના દિવસે બિહારમાં સરસ્વતી પૂજાનું અનેરું મહત્વ છે. માતા સરસ્વતી વિદ્યાની દેવી મનાય છે. જેના ઉત્સવને વાપીમાં કર્મભૂમિ બનાવનાર બિહારના લોકો છેલ્લા 20 વરસથી હર્ષોલ્લાસભેર ઊજવે છે. આ પ્રસંગે વાપીના VIA હોલ ખાતે માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરી પૂજા અર્ચના કરી હતી. તેમજ વાપી અને આસપાસની શાળાના બાળકોને આમંત્રિત કરી આર્ટ એન્ડ રિઝનિંગ કવિઝ ટેસ્ટ લેવા ઉપરાંત વિવિધ શાળાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતાં.

વાપીમાં VIA ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમ અંગે બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ એન. કે. સિંગ અને વાઇસ પ્રેસિડેન્ટ નીરજ સીંગે જણાવ્યું હતું કે, બિહારમાં સરસ્વતી પૂજાનું અનેરું મહત્વ છે. વિદ્યાની દેવીરૂપે તેની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે વસંત પંચમીના આ માટે ભવ્ય આયોજનો કરવામાં આવે છે. વાપીમાં પણ આ સંસ્થાના નેજા હેઠળ છેલ્લા 20 વરસથી સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવે છે.

જેમાં વાપીને કર્મભૂમિ બનાવનાર દરેક બિહાર ના વતની ભાગ લે છે. કાર્યક્રમ દરમ્યાન માતાજીની પ્રતિમાની સ્થાપના કરી તેની પૂજા અર્ચના કરાય છે. વિદ્યાર્થીઓ માટે વિશેષ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર છાત્રોને ઇનામ અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. એ ઉપરાંત શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત સાંજે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં સામાજિક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર મહાનુભાવોને આમંત્રિત કરી તેઓનું સન્માન કરવામાં આવે છે. એ ઉપરાંત સંસ્થા દ્વારા આખું વર્ષ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક મદદ પુરી પાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *