વાપીમાં આવેલ ખ્યાતનામ KBS હરિયા કોલેજના ટ્રસ્ટી કાંતિભાઈ હરિયાના નિધન બાદ તેમની ઈચ્છા મુજબ તેમના અંગોનું દેહદાન કરવામાં આવ્યું હતું. ત્યારે તેમની ઈચ્છા મુજબ લોકો માં દેહદાન અંગે જનજાગૃતિ લાવવાના ઉદેશ્ય સાથે કોલેજમાં અંગદાન જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક દિલીપભાઈ દેશમુખ લીવર પ્લાન્ટની સર્જરી બાદ પણ આજે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. જેઓ અંગદાન અંગે દેશભરમાં જનજાગૃતિ સેમિનાર યોજી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. જે ઉદેશ્ય અંતર્ગત વાપીમાં ચણોદ સ્થિત KBS હરિયા કોલેજમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ઉપસ્થિત કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે અંગદાન અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. દિલીપભાઈએ જણાવ્યું હતું કે, અંગદાન અંગે દરેક લોકો સુધી માહિતી પહોંચવી જરૂરી છે. જે માટે તેઓ પોતે લીવર પ્લાન્ટ બાદ સ્વસ્થ જીવન જીવતા હોય તેનું ઉદાહરણ આપી દેશભરમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજી રહ્યા છે. આ સેમિનારમાં કોલેજના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણ, ટ્રસ્ટી ભારતી સુમરીયા, કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ દિલીપભાઈનું સન્માન કરી તેમના સંબોધનને સાંભળ્યું હતું.