Friday, December 27News That Matters

દમણગંગા નદી પર વાપી નજીક બનશે વધુ એક ડેમ અને રિવરફ્રન્ટ…! નાણામંત્રીએ અધિકારીઓ સાથે કરી સ્થળ મુલાકાત

રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના પ્રયાસોથી વાપીના વિકાસમા વધુ એક છોગુ ઉમેરાઈ રહ્યું છે. મળતી વિગતો મુજબ અંદાજીત 105 કરોડના ખર્ચે વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી કિનારે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેકટ હાથ ધરાયો છે. જેની સાથે વધુ એક વિયર(ડેમ) પણ બનાવવામાં આવશે. આ પ્રોજેકટને ગતિ આપવા નાણામંત્રીએ દમણગંગા અને ઇરીગેશન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી જરૂરી સમીક્ષા કરી હતી.

રાજ્યના નાણાપ્રધાન અને પારડી-વાપી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ પોતાના વર્તમાન કાર્યકાળમાં અનેક વિકાસના પ્રોજેકટને આગળ ધપાવી વાપી ને વિકાસના પંથે લઈ જઈ રહ્યા છે. આ હેઠળ   એક નવી યોજના એટલે વાપી રિવરફ્રન્ટની અને દરિયામાં વહી જતા પાણીને ઉપયોગમાં લેવા વિયર(ડેમ) Weir/Dam બનાવવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે.

જે અંતર્ગત ગુજરાત સરકારના  કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ (Riverfront Project)ની વિગતે ચર્ચા કરવા અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં સરકારશ્રીના ઇરીગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાથે વાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા વિકાસ કામનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રોજેકટ અંગેની વિગતો જાણી નાણામંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા હતા. આ બેઠક અને સ્થળ નિરિક્ષણમાં વાપી VIAના પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી VIA ના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ કાબરીયા, એડવાઈઝરી બોર્ડ ના મેમ્બર મિલનભાઈ દેસાઈ સાથે સરકારના ઇરીગેશન ડિપાર્ટમેન્ટના અધિકારી આર. એન. પટેલ, બી. એસ. પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *