વાપીના ડુંગરા પોલીસ મથકમાં ચણોદ ખાતે રહેતા ઉમેશ રાય નામના ઠગ ભગત સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. છીરી માં પેટ્રોલપંપ ધરાવતા સમીર પટેલે આ ફરિયાદ લખાવી છે. જેમાં તેમના પેટ્રોલપંપ પર ઉમેશ રાયે પોતાની ટ્રક માં 5.35 લાખનું ડીઝલ ભરાવી તે રકમ નહિ ચૂકવી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, ઠગ ભગત ઉમેશ રાય સામે લોકોને વિશ્વાસમાં લઈ પૈસા ચાઉ કરી જવાની આ 5મી ફરિયાદ છે. સૂત્રોનું માનીએ તો ઉમેશે વાપીના અલગ અલગ વેપારીઓના અંદાજિત 80 લાખથી વધુ ની રકમ નહિ ચૂકવી છેતરપિંડી કરી છે. જેને લઇ ભોગ બનનારા લોકોની માંગ છે કે, પોલીસ આ ઠગ ભગત સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરાંત પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરે.
વાપીના છીરી વિસ્તારમાં શ્રીજી પેટ્રોલિયમ નામના પેટ્રોલપંપના સંચાલક સમીર પટેલે વાપી ના ચણોદ વિસ્તારમાં રહેતા ઉમેશ રાય સામે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પેટ્રોલપંપ ના સંચાલકે નોંધાવેલ ફરિયાદ મુજબ વર્ષ 2023 માં તેમના પેટ્રોલ પંપ પર ચણોદ શિવ રેસીડેન્સી માં રહેતા અને શૌર્ય એન્ટરપ્રાઈઝ ના નામે બિલ્ડિંગ મટીરીયલ સપ્લાય કરતા ઉમેશ રાય નામના ઈસમે તેમની ટ્રક માં 5.35 લાખનું ડીઝલ ભરાવ્યું હતું. આ ડીઝલ ની રકમ પેટે તેમણે 5 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતા તેમણે વધુ 2 ચેક અનુક્રમે 2 લાખની રકમનો અને અઢી લાખની રકમનો આપ્યો હતો. જે પણ ખાતામાં બેલેન્સ ન હોવાથી રિટર્ન થયો હતો.
જે બાદ સતત પૈસા માટે ઉઘરાણી કરવા હતા ઉમેશે પૈસા નહિ ચૂકવતા અને આ ઉમેશે તેના જેવા અન્ય વેપારીઓ સાથે પણ વિશ્વાસ કેળવ્યા બાદ લાખોની રકમ ચૂકવી નહિ હોવાની ફરિયાદ વાપી ટાઉન, વાપી GIDC પોલીસ મથકમાં નોંધાતા તેઓએ પણ પોતાના 5.35 લાખની રકમ પરત મેળવવા ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ સમગ્ર મામલે ડુંગરા પોલીસે IPC કલમ 406, 420 હેઠલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમેશ રાય નામના આ ઠગ ભગતે પેટ્રોલપંપ ના સંચાલક ને વિશ્વાસમાં લેવા પહેલાં પોતાની ટ્રકમાં રોકડે એક લાખનું ડીઝલ ભરાવ્યું હતું. જે બાદ પોતે બિલ્ડિંગ મટીરીયલ સપ્લાયર્સ છે. તે રેતી, કપચી, સ્ટીલ, કોલસાનો સપ્લાય કરે છે. તેમની ટ્રક માં ઉધાર ડીઝલ ભરી આપવા પેટ્રોલપંપ ના સંચાલકને વિશ્વાસમાં લઈ એડવાન્સ પેટે 5 લાખનો ચેક આપ્યો હતો. અને ટ્રકમાં કુલ 5.35 લાખનું ડીઝલ ભરાવ્યું હતું. જોકે, પેટ્રોલંપના સંચાલકે જેવો ચેક બેંકમાં જમા કરાવ્યો કે તે અનસફિસિયન્ટ બેલેન્સ ના કારણે બાઉન્સ થયો હતો. જે બાદ આપેલા બે ચેક પણ રિટર્ન થયા હતા. અને પૈસાની રકમ ચૂકવતો નહોતો.
પેટ્રોલપંપ સંચાલક સાથે 5.35 લાખના ડીઝલના પૈસા નહિ ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરનાર ઉમેશ રાય સામે આ પહેલાં પણ લોકોના પૈસા ચાઉ કરી જવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ મામલે ઘાક બેસાડતી કાર્યવાહી કરવા વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરજ વાઘેલાએ આપેલ સૂચના મુજબ વાપી DySP બી. એન. દવે ના માર્ગદર્શનમાં ડુંગરા પોલીસ મથકના PI સિદ્ધાર્થ સિંહ ગોહિલે કાર્યવાહી હાથ ધરી છે.
ઠગ ભગત ઉમેશ રાય સામે વાપી GIDC પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી હોય વાપી GIDC પોલીસ મથકના PI મયુર પટેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વાપી ટાઉન માં PI કે. જે. રાઠોડ દ્વારા અને ગુંદલાવ માં PSI કિરણબા જાડેજા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે.
સૂત્રોનું માનીએ તો ઠગ ભગત ઉમેશ રાયે અલગ અલગ લોકો સાથે 80 લાખ જેવી મસમોટી રકમ ની છેતરપિંડી કરી હોવાની ચર્ચા છે. આ મહા ઠગ ભગત ને કાયદાનો પાઠ ભણાવવા વલસાડ જિલ્લા પોલીસ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરે તેવી માંગ ભોગ બનનારા લોકોમાં ઉઠી છે.