વાપી નગરપાલિકામાં બુધવારે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ ગત સામાન્ય સભામાંની કાર્યવાહી નોંધની બહાલી આપવી. છ માસિક હિસાબને મંજૂર કરી બહાલી આપવા સહિત સભ્યોએ કરેલ રજૂઆતો ધ્યાને લઈ જરૂરી નિર્ણયો લેવા ખાત્રી આપી હતી. તેમજ આવનારા સમયમાં વાપી નગરપાલિકા વિસ્તારમાં રોડની, ટ્રાફિકની અને પાણીની સમસ્યાઓના નિરાકરણ માટે હાથ ધરવામાં આવનાર કામોની જાહેરાત સાથે રૂપરેખા રજૂ કરી હતી.
વાપી નગરપાલિકાના હોલમાં સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિવિધ સમિતિના સભ્યોની અધ્યક્ષતામાં આયોજિત આ સામાન્ય સભામાં થયેલી રજૂઆતો અંગે પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન સાહેબ જણાવ્યું હતું કે આજે યોજાયેલ સામાન્ય સભામાં હાલમાં રસ્તામાં પડેલા ખાડા ની મરામત કરી રી-સરફેસિંગ કરવા, નવા રસ્તા બનાવવા, રસ્તાને પહોળા કરવા જેવા વિવિધ કામો હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધી સર્કલથી પેટ્રોલ પંપ સુધી, લબ્ધી ચોકથી ઝંડા ચોક સુધીના રસ્તાનુ નવીનીકરણ, સ્ટ્રીટ લાઇટિંગનું નવીનીકરણ, રિક્ષા સ્ટેન્ડ માટે રેલવે સાથે સંકલન સાધી રીક્ષા પાર્કિંગ સ્ટેન્ડ ઊભું કરવું, વોટર વર્કસ હેઠળ પાણીની પાઇપલાઇન નાખવી, મોડર્ન સ્કૂલ નજીક અને સુલપડમાં આવેલ તળાવમાં વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવી, દાદરી મોરા, ડુંગરી ફળિયામાં રસ્તાની મરામત, રસ્તા નવીનીકરણ કરવા જેવા કામોની જાહેરાત કરવામાં આવી છે.
તેમજ પાલિકાના જે રોજિંદા કર્મચારીઓ છે તેના પગાર ભથ્થામાં 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો, વાપી ચાર રસ્તા સેલવાસ રોડથી ઇમરાનગર સુધી અને એ જ રીતે ડાભેલ ચેકપોસ્ટથી મુક્તાનંદ માર્ગ સુધીના બંને તરફના મુખ્ય રોડના ડિવાઈડર બનાવવા નવા પોલ લગાવવા સહિતની સુવિધાઓ નગરજનોને પૂરી પાડવામાં આવશે. એ જ રીતે વાપીમાં હાલ જે સીટી બસ સેવા ચાલે છે તે સીટી બસ લેવામાં બે બસનો વધારો કરી હાલ આ સેવા 8 બસની કરાશે આગામી દિવસમાં તેમાં વધુ 8 બસનો ઉમેરો કરી 16 બસ સુધીની સુવિધા શહેરીજનોને પૂરી પાડવામાં આવશે. રસ્તાના કામ માટે અંદાજિત 1.40 કરોડ સુધીનું બજેટ હાલના તબક્કે મંજૂર કરવામાં આવ્યું છે. એ જ રીતે પાણીના જે પ્રશ્નો છે તે પ્રશ્નો પણ નગરપાલિકાએ ધ્યાનમાં લીધા છે. કેટલાક વિસ્તારમાં જૂની લાઈનો હોય પાણીનો પ્રશ્ન છે. જ્યારે અન્ય કેટલાક સ્થળો પર નવી ઇમારતો બનવાને કારણે ત્યાં રહેણાંક વિસ્તારમાં વધારો થયો છે. જે તમામ બાબતો ધ્યાને લઈ આવનારા દિવસોમાં તમામ વિસ્તારમાં પાણીનું યોગ્ય વિતરણ થાય તે આધારે પાણી પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે યોજાયેલ સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ દ્વારા રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતના વિવિધ મુદ્દાઓ પર પસ્તાળ પાડવામાં આવી હતી. જેને સતાપક્ષે ગંભીરતાથી લેવાને બદલે રમુજમાં લીધી હતી. જે જોઈ વિપક્ષી નેતાએ પણ તે બાદ જાણે સભાના તમામ સભ્યોનું મનોરંજન પૂરું પાડતા હોય તેમ વિકાસથી દરેક વાતને રમુજી સ્વરૂપે રજૂ કરી ચાબખા માર્યા હતાં. સામાન્ય સભામાં તમામ સમિતિના ચેરમેનો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેવો એ પણ પોતાના તરફથી પોતાના વિસ્તારને લગતી સમસ્યાઓની રજૂઆત કરી હતી.