વાપી GIDC માં 3rd ફેઝ માં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં અકસ્માતની ઘટના ઘટી છે. મળતી વિગતો મુજબ આ ઘટનામાં 1 કામદાર નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે એક કામદાર ઘાયલ થયો છે. જેને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટના અંગે કંપનીના મેનેજર રૂપેશ વેગડા સાથે ટેલિફોનિક વાત થતા તેઓ હાલ બહાર હોવાનું જણાવી ઘટના ઘટી હોવાની પુષ્ટિ કરી છે. જો કે, હાલ વધુ વિગતો તેમની પાસે ના હોય વાપી આવી ચોક્કસ વિગતો પુરી પાડવા જણાવ્યું હતું. જ્યારે ફેક્ટરી ઇન્સ્પેકટર એમ. સી. ગોહિલ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઘટના અંગે જાણકારી મળી છે. ટીમને વધુ તપાસ અર્થે મોકલી છે. જેના રિપોર્ટ આવે વધુ વિગતો આપી શકશે. તો, GIDC પોલીસ મથકમાં પણ ઘટનાની જાણકારી મળતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
જો કે, ઘટના અંગે મળેલી પ્રાથમિક જાણકારી મુજબ કંપનીમાં કલરનું કામ ચાલે છે. જે દરમ્યાન કલરકામ કરતા 2 મજૂર નીચે પટકાયા હતા. જેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક મજૂર ઘાયલ હોય તેને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટના અંગે વધુ વિગતો પોલીસ, ફેક્ટરી ઇન્સ્પેકટર ની તપાસ બાદ જ જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે આવી કંપનીઓમાં અનેક સમયે સેફટીમાં રહેલી ચૂકને લઈ અકસ્માત થતા આવ્યા છે. ત્યારે આ ઘટનામાં કામદારો માટેની સુરક્ષા સલામતીમાં ચૂક હતી કે કેમ તે તપાસ બાદ જાણવા મળશે.