બુધવારે 31મી જાન્યુઆરી 2024ના વાપી નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખ કાશ્મીરા શાહ દ્વારા વર્ષ 2023-24નુ સુધારેલ બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2024-25નું 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા, IAS રાજેશ મોર્યા અને પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં વાપી સેવાસદનના હોલમાં સવારે 11:30 કલાકે સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકા દ્વારા અગાઉ મળેલ સામાન્ય સભા અને કારોબારી સમિતિની નોંધને બહાલી આપવામાં આવી હતી. સાથે વર્ષ 2024-25નું 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ કરી, અન્ય કામગીરીની જાહેરાત કરવામાં આવી હતી.
વાપી નગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ કાશ્મીરા શાહે વર્ષ 2023-24 નું 1,29,19,68,662 રૂપિયાના ખર્ચ વાળું અને 57,87,84,605 રૂપિયાની બંધ સિલક વાળા અંદાજિત બજેટને મંજુર કરાવી આગામી 2024-25નું 1,51,60,56,605 રૂપિયાનું અંદાજિત બજેટ રજૂ કર્યું હતું. સામાન્ય સભામાં અન્ય વિકાસના કામો જેવા કે, નગરપાલિકા વિસ્તારમાં માર્કેટ/ક્ષેત્રફળ એરિયા આધારીત લાગુ કરવામાં આવેલ મિલ્કત વેરાના દરમાં દર બે વર્ષે કરાતા 10% વધારો મુલત્વી રાખવો, 3 તળાવના બ્યુટીફિકેશન માટે એજન્સી નિમવી, કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી રોકવા સમિતિની રચના કરવી, મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા બાબતે તેને અનુરૂપ પ્રોજેકટ ના મળે ત્યાં સુધી તે મુલત્વી રાખવા જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતાએ ટ્રાફિકની સમસ્યા, ફૂડ ઇન્સ્પેક્ટરની જરૂરિયાત, સ્ટ્રીટ લાઈટ, રસ્તા ગટરની સમસ્યા અને તેના નિરાકરણ માટે રજુઆત કરી હતી. સામાન્ય સભામાં પાલિકાના 44 પૈકી 14 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય સભામાં વર્ષ 2024-25નું જે અંદાજિત બજેટ મંજુર કરવામાં આવ્યું છે. તેમાં 57,87,84,605 રૂપિયાની ઉઘડતી સિલક છે. વર્ષ 2024-25ની અંદાજિત આવક 93,72,72,000 રૂપિયાની અંદાજી કુલ 1,51,60,56,605 રૂપિયાનું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 2024-25 નો અંદાજિત ખર્ચ 1,29,52,80,000 રૂપિયા અંદાજયો છે. જ સાથે વર્ષ 2024-25માં બજેટની કુલ રકમ પૈકી 22,07,76,605 રૂપિયા બંધ સિલક રહેશે. સામાન્ય સભામાં નવા આવેલા ચીફ ઓફિસર, IAS અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિપક્ષી નેતાના આકરા પ્રશ્નોના જવાબો આપી અધૂરા કામ વહેલા પૂર્ણ કરવા હૈયાધરપત આપી હતી.