વાપી GIDC ના 2nd ફેઝમાં આવેલ આર્યન પેપર મિલમાં કામ કરતી વખતે મશીનમાં આવી જતાં 23 વર્ષીય કામદારનો હાથ કપાઈ ગયો હતો. આ ઘટના 10 જાન્યુઆરીએ બની હતી. જે અંગે વાપી GIDC પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનામાં ESIC ની સવલતોને લઈને પણ ઇજાગ્રસ્ત કર્મચારીના પરિવારે મુસીબતોનો સામનો કરવો પડ્યો હોવાની હૈયા વરાળ ઠાલવી છે.
ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીના મોટી સુલપડમાં રહેતા વિકી કુમાર વાપીની આર્યન પેપરમિલમાં 6 મહિનાથી નોકરી કરતો હતો. ગત 10 જાન્યુઆરીએ રાબેતા મુજબ કંપનીમાં નોકરી પર ગયો હતો. તે સમયે મશીનના પટ્ટામાં કોઈ ચીજ ફસાઈ ગઈ હતી જે કાઢવા જતા તેનો ડાબો હાથ ખભાથી કપાઈ ગયો હતો. લોહી નીકળતી હાલતમાં તેને ESICમાં લઈ જવામાં આવ્યો, ત્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
વિકીની હાલત ગંભીર હોય ખાનગી હોસ્પિટલના તબીબોએ તેને સુરત મોકલી આપવાનું જણાવતા તેને સુરત સારવાર માટે રવાના કર્યો હતો. જ્યાં 17 દિવસની સારવાર લઈ વિકી પરત આવી ગયો છે. આ ઘટનામાં તેનો ડાબો કાન કપાઈ ગયો છે. છાતીની પાંસળીઓમાં ફ્રેક્ચર છે. કેસની સુરત પોલીસે ઝીરો નંબરથી નોંધ કરી વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રીફર કરતા ઘટના પ્રકાશમાં આવી હતી. શનિવારે જીઆઈડીસી પોલીસે પણ ફેક્ટરીમાં જઈને આ અંગે તપાસ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આર્યન પેપરમિલમાં આ પહેલા પણ ગંભીર અકસ્માતો થયા છે. જે ફેક્ટરીમાં સલામતીના નિયમોના પાલન અંગે પ્રશ્નાર્થ ઉભા કરે છે. આ ઘટનામાં પણ કર્મચારીના પરિવારે આક્ષેપ કર્યા છે કે, લગભગ છ કલાક સુધી સારવાર થઈ શકી ન હતી. વિક્કીનો પરિવાર મૂળ બિહારનો છે તેમના પિતા જગેશ્વર સિંહ પણ લગભગ 20 વર્ષથી આ જ ફેક્ટરીમાં કામ કરે છે. તેણે જણાવ્યું કે અકસ્માત બાદ વિકીને પહેલા ચણોદ સ્થિત ESIC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને હરિયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ દર્દીને બીજે ક્યાંક લઇ જવા જણાવ્યું હતું. ફરી એકવાર તેને ESIC હોસ્પિટલમાં લઈ જવો પડ્યો. ત્યાંથી તેમને સુરતની હોસ્પિટલના કાગળો આપવામાં આવ્યા બાદ સુરત લઈ જવામાં આવ્યો હતો. જ્યારે તેને ESIC એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરે તેને પૂછ્યું કે તેને સુરત સુધીનો પેટ્રોલનો ખર્ચ કોણ ચૂકવશે. જે અંગે કર્મચારીના પરિવારે અસમર્થતા બતાવતા એમ્બ્યુલ ચાલકે બલિઠા નજીક બીજી એમ્બ્યુલન્સને બોલાવી તેમાં રવાના કર્યો હતો.