વાપી નગરપાલિકાએ ડુંગરામાં ખરીદેલી જમીન પર ગત 10મી માર્ચે પીવાના પાણી ના પ્લાન્ટ માટે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહર્ત કરાવ્યું હતું. જો કે, આ જમીન મામલે નગરપાલિકા ના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉલ્લુ બન્યા હોવાનું પ્રતીત થયું છે. કેમ કે જે જમીન આંબા વાડી સમજી કરોડો રૂપિયામાં વેંચાતી લીધી છે. એ જમીન વાપી GIDC ની કંપનીઓમાંથી સગેવગે કરેલ કેમિકલ યુક્ત કચરાની ડમ્પીંગ સાઈટ નીકળી છે.
હાલ અંહી દમણગંગા નદી કિનારા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સામે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેની કામગીરી પૂરજોશ માં ચાલી રહી છે. જેમાં જમીનમાંથી મોટેપાયે કેમિકલ યુક્ત કચરો બહાર નીકળી રહ્યો છે. તેમજ કેમિકલ યુક્ત પાણી ખાડાઓ માં ભરાઈ રહ્યું છે. આ દુર્ગંધ મારતો કેમિકલ વેસ્ટ અને પાણી અંહી કામ કરનારા કામદારો, કોન્ટ્રાક્ટરો અને આસપાસ થી નીકળતા શહેરીજનો માટે માથાનો દુખાવો બન્યો છે. ભર ઉનાળે અંહી કામ કરતા કામદારો માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા પણ પાલિકા દ્વારા પુરી પાડવામાં આવી નથી. એ માટે પણ નગરપાલિકાના અધિકારીઓએ હાથ અધ્ધર કરી દીધા છે.
શહેરીજનોમાં અસમંજસ છે કે, નગરપાલિકાએ અંહી કોના ઇશારે કરોડો રૂપિયા વેડફી નાખ્યા…? શું નગરપાલિકા ના સત્તાધીશોને અને અધિકારીઓને જમીન માલિક બેવકૂફ બનાવી ગયા કે પછી બન્નેની મિલીભગતમાં આ એક મોટું કૌભાંડ આચરી દેવામાં આવ્યું છે. આ અંગે નગરપાલિકાના સત્તાધીશોએ જનતાને જાણકારી આપવી જરૂરી છે. તેમજ આ મામલે ખરી તપાસ કરવી જોઈએ.
ડુંગરા ના આ વિકાસના કાર્ય અંગે વિગતો જોઈએ તો ગત 10મી માર્ચ 2024ના વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું હતું. વાપી પંથકમાં અગામી 25 થી 50 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા ન બને તેવું આયોજન કરાયું હોવાના વક્તવ્યો તે સમયે સંબોધિત કરાયા હતા.
વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્તારમાં આવેલ દાદરી મોરા ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા દસ લાખ લિટરની ક્ષમતા વાળો અંડર ગ્રાઉન્ડ સંપ તેમજ 22 મીટર ઊંચી પાંચ લાખ ક્ષમતાની ઓવર હેડ ટાંકી અને 300 ઍમ.ઍમ ડાયા 1688 મીટર રાઈઝિંગ મેન લાઈન સાથે 300 ઍમ. ઍમ ડાયા 1500 મીટર ગ્રેવીટી મેનલાઇન નાખવામાં આવશે તેવી વિગતો આપવામાં આવી હતી. જેના કારણે ડુંગરા વિસ્તારમાં નગરજનોને પૂરતા પ્રમાણમાં પ્રેશરથી પીવાનું પાણી મળી રહેશે. જે અંગે રૂપિયા 31.15 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન 20 લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ઉંચી ટાંકી બનાવવાની વિગતો આપી હતી.
આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ સહિત પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જમીન આપનાર જમીન માલિકનું સન્માન કરી તેને વધાવ્યા હતાં. જો કે હવે અહિ નિર્માણ થઈ રહેલ WTP ના ખોદકામ દરમ્યાન જમીનમાંથી મોટી માત્રામાં કેમિકલ વેસ્ટ નીકળી રહ્યો છે. જે કેમિકલ વેસ્ટ વળી જમીનમાં WTP આકાર લેશે તો આ કેમિકલયુક્ત વેસ્ટ અને પાણી શુદ્ધ પીવાના પાણીને બગાડશે તો વાપીના લોકોનું આરોગ્ય જોખમાશે તેવી દહેશત શહેરીજનોમાં ઉઠી છે.
આ જમીન આપનારા જમીન માલિક પર પણ શહેરીજનો ટકોર કરી રહ્યા છે કે, પાણીના ભાવની જમીનના કરોડો લઈ લેનાર જમીન માલિક દ્વારા આ જમીનમાં કેમિકલ વેસ્ટ ઠાલવ્યું હતું કે કેમ તે અંગે પાલિકાએ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.