વાપીમાં આવેલ નર્સિંગ કોલેજમાં આયોજિત કાર્યક્રમ બાદ તમામ સ્ટુડન્ટસ માટે જમણવાર રાખવામાં આવ્યું હતું. જેમાં પીરસેલ વાનગીઓને કારણે 12 થી વધુ સ્ટુડન્ટ્સને ખોરાકી ઝેરની અસર થતા વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવતા હાલ તમામ સ્વસ્થ હોય મોટાભાગનાને ડિસ્ચાર્જ કરી દીધા હોવાની વિગતો હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી મળી છે.
ઘટના અંગે ખાનગી હોસ્પિટલ મેનેજમેન્ટના તબીબે માહિતી આપી હતી કે, ગઈ કાલે વાપીની SSC નર્સિંગ કોલેજમાં કોલેજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ તમામ કોલેજીયનો માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભોજનની એકાદ વાનગી કેટલાક સ્ટુડન્ટસે આરોગી હતી. જેઓને મોડી રાત્રીએ ફૂડ પોયઝન ની અસર થતા દોડધામ મચી ગઇ હતી.
આ ઘટનાને લઈ જેટલા અસરગ્રસ્તોની તબિયત બગડી હતી તે તમામને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ માં સારવાર આપવામાં આવતા તમામની પરિસ્થિતિમાં જેમ જેમ સુધારો આવતો ગયો તેમ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ચારેક જેટલા સ્ટુડન્ટ્સને વધુ અસર હોય હાલ તેમની સ્થિતિમાં પણ સુધારો આવ્યો છે. છતાં ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યા છે. જેઓને સાંજ સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે.
જો કે આ ઘટનાને લઈ વાપી પંથકમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં અંદાજિત 40 જેટલા સ્ટુડન્ટસને ફૂડ પોયઝનની અસર થઈ હોવાની અને તે પૈકી 12 જેટલા સ્ટુડન્ટ્સને હોસ્પિટલ માં તાત્કાલિક સારવાર આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, હોસ્પિટલ મેનેજમેન્ટ અને નર્સિંગ કોલેજ મેનેજમેન્ટ દ્વારા ઘટના બની હોવાનું જણાવી હાલ કોઈ એડમિટ ના હોવાનો ખુલાસો કર્યો હતો. તમામ સુરક્ષિત હોય જરૂરી સારવાર આપી ડિસ્ચાર્જ કરી દીધા હોવાનું જણાવ્યું છે.