Saturday, December 21News That Matters

વાપીની Heranba Industries માં કામદારના મોત બાદ પરિવારજનોએ કોન્ટ્રાકટર પર હુમલો કરતા કોન્ટ્રાકટર ઘાયલ

વાપી GIDC માં 3rd ફેઝ માં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં કોન્ટ્રાકટર દ્વારા કલરકામ કરાવવામાં આવતું હતું. તે સમયે અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં 1 કામદારનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક કામદાર ઘાયલ થતા સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં ઘાયલ કામદાર અને મૃતક કામદારોના પરિવારજનોએ આક્રોશ માં આવી કોન્ટ્રાકટર પર હુમલો કરી દીધો હતો. હુમલામાં કોન્ટ્રાકટર પણ ઘાયલ થયો છે.

ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી GIDC માં 3rd ફેઝ માં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં તારા નામના કોન્ટ્રાકટરને કલરકામનો કોન્ટ્રાકટ આપ્યો હતો. જેણે પોતાના કામદારો મારફતે સવારે કલરકામ શરૂ કર્યું હતું. કલરકામ દરમ્યાન રવિકુમાર સુજીત પ્રસાદ નામના કામદારે 15 ફૂટ ઉંચાઈએ રસ્સી પકડી રાખી હતી. જે રસ્સીના આધારે છોટુ નરેશ પ્રસાદ યાદવ કલરકામ કરી રહ્યો હતો. દરમ્યાન રસ્સી પકડનાર કામદાર રવિકુમાર ને અચાનક જ કંઈક થતા તે રસ્સી સાથે નીચે પટકાયો હતો. જેથી રસ્સીના સહારે કલરકામ કરતો છોટુ પ્રસાદ પણ નીચે પડ્યો હતો. ઘટનામાં રવિકુમારનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે છોટુ પ્રસાદ ઘાયલ થયો હતો.

અચાનક ઘટેલી ઘટનાને લઈ અન્ય કામદારોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. જેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ઘાયલ કામદારને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. ઘટના બાદ કોન્ટ્રાકટર દ્વારા કંપનીના અધિકારીઓને તેમજ પોલીસને જાણકારી આપી મૃતકના મૃતદેહને PM માટે રવાના કર્યો હતો.

ઘાયલ કામદાર હોસ્પિટલમાં હોય તેની સ્થિતિ જાણવા અને સારવાર માટે કોન્ટ્રાકટર હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જે સમયે ઘાયલ કામદાર અને મૃતક કામદારના પરિવારજનો પણ હોસ્પિટલમાં હાજર હોય તેઓ આક્રોશ માં આવી ગયા હતાં. અને કોન્ટ્રાકટર પર હુમલો કરી ધોલ ધપાટ કરતા કોન્ટ્રાકટર ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

સમગ્ર ઘટનાને લઈ હાલ GIDC પોલીસ, ફેક્ટરી ઇન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં મૃતક અને ઘાયલ બન્ને કામદારો મૂળ બિહારના છે. વાપીના સુલપડમાં રહેતા હતાં. અને કોન્ટ્રકટર પાસે કલરકામની મજૂરી કરતા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *