Monday, February 24News That Matters

વાપી છરવાડાના સડક ફળિયાની દિકરીના આક્ષેપ બાદ છરવાડાના સરપંચે સમગ્ર મામલે ખુલાસો કર્યો

વાપી તાલુકાના છરવાડા ગ્રામપંચાયત ના વોર્ડ નં.7 ના સડક ફળિયામાં રહેતી મિનલબેન હળપતિએ સરકાર દ્વારા આપવામાં આવતા લાભ માટે છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર છરવાડા ગ્રામપંચાયતના સરપંચ અને તલાટી સહી કરી આપતા નથી તેવો આક્ષેપ કર્યો હતો. જે અંગે મંગળવારે છરવાડા ગ્રામ પંચાયત ના સરપંચ યોગેશ પટેલે ખુલાસો કર્યો હતો.

છરવાડા સરપંચ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત છરવાડાના તલાટી અને તેમના પર જે આક્ષેપ થયા છે. તે પાયા વિહોણા અને એક ષડયંત્રનો ભાગ છે. ગ્રામ પંચાયતમાં છેલ્લા બે દિવસથી ચગેલા આ મામલામાં કોઈ તથ્ય નથી. હકીકતમાં આ દીકરીએ આવી કોઈ જ અરજી ગ્રામપંચાયત માં કરી નથી. કે, આવ્યા નથી. પંચાયત દ્વારા આવકના દાખલા માટે ક્યારેય કોઈને હેરાન પરેશાન કરવામાં આવતા નથી. પંચાયત દ્વારા તેમના વિરોધીઓને પણ સરકારી લાભ માટે ગ્રામ પંચાયતની જે પણ મંજૂરી કે ભલામણ પત્રની જરૂર હોય છે તે પ્રમાણિક પણે આપવામાં આવે છે. કોઈ પણ અરજીમાં સહી કરવાની હોય તે કરી આપવામાં આવે છે.

પરંતુ તેમ છતાં આ ગંભીર આક્ષેપ થયા છે. જેમાં સાચી હકીકત એ છે કે, છરવાડા પંચાયત દ્વારા હાલમાં ગૌચરણનો મામલો ચાલી રહ્યો છે. તેમાં આ કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો કરી બેસેલાઓને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસ જે દબાણકર્તાઓને પાઠવવામાં આવી છે. તેમાં આક્ષેપ કરનાર દીકરીના પિતા પણ સામેલ છે. એટલે ગ્રામ પંચાયત ને બદનામ કરવા વિરોધીઓએ દબાણકર્તા સાથે મળી દીકરીને આગળ કરી આ કાવતરું રચ્યું છે.

સરપંચ યોગેશ પટેલે સૌને વિનંતી કરતા જણાવ્યું હતું કે, દીકરીને આગળ કરી કોઈ આ પ્રકારે પંચાયત ને બદનામ કરી જનતાને ગેરમાર્ગે ના દોરે, આવા ખોટા મેસેજ સમાજમાં ફેલાવવાથી દૂર રહે. ઉલ્લેખનીય છે કે, દીકરીએ આક્ષેપ કર્યો હતો કે, ગ્રામપંચાયત દ્વારા તેઓને આવકના દાખલા કાઢી આપતા નથી અને શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરતા નથી. ગામના સરપંચ કે તલાટી કોઈ યોગ્ય રીતે જવાબ આપતા નથી આ અંગે રાજ્યના મુખ્યમંત્રી અને નાણાપ્રધાનને અરજ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *