વાપી GIDC માં આવેલ કેમિકલ કંપનીઓ અને આવી કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ ઉચંકતા માફીયાઓના કરતૂતોથી વાપી GIDC હંમેશા બદનામ રહ્યું છે. તો, વાપી આસપાસની જમીનોનું નખ્ખોદ વળી ગયું છે. જમીન, પાણી મોટેપાયે ખરાબ થઈ ચૂક્યા છે. હવે આ જ કેમિકલ વેસ્ટ, પેપરમિલ વેસ્ટ, નોનરિસાયકલ વેસ્ટ ઊંચકનારાઓને કારણે દમણગંગા નદીનો કિનારો અને નદીનું પાણી ખરાબ કરવાની પ્રવૃત્તિ આચરાઈ રહી છે.વાપીના ડુંગરા વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું બુલેટ સ્ટેશન બની રહ્યું છે. જેને કારણે આ વિસ્તાર હાલ વિકાસના નામે ચર્ચામાં છે. બુલેટ ટ્રેન આ વિસ્તારમાંથી પસાર થતી દમણગંગા નદી પર બનેલ બ્રિજ પરથી પસાર થવાની છે. આ બ્રિજ નજીક દમણગંગા નદી ના કિનારે કેમિકલ વેસ્ટ ના માફીયાઓ પોતાના વાહનોના આવાગમન માટે કેમિકલ વેસ્ટ પાથરી રહ્યા છે. જેનાથી કાંઠાનો વિસ્તાર સાંકડો થઈ રહ્યો છે. નદીનું પાણી ખરાબ થઈ રહ્યું છે.
આ પ્રવુતિ છેલ્લા ઘણા સમય ચાલી રહી છે. પરંતુ આ મામલે સ્થાનિક ડુંગરા વાસીઓ કે સ્થાનિક કોર્પોરેટર કે GBCB કે વહીવટી તંત્ર કે જે વિભાગનો આ વિસ્તાર છે એ દમણગંગા વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આ પ્રવૃત્તિ હજુ પણ યથાવત રહેશે તો ચોમાસામાં ભારે વરસાદમાં મધુબન ડેમમાં થી છોડતા પાણી ને અન્હી અવરોધ નડશે અને કદાચ પાણી નો ભરાવો આ વિસ્તાર ને પાણી થી તરબોળ કરશે. આશા રાખીએ કે દમણગંગા વિભાગ અને GPCB આ અંગે સત્વરે જાગે અને કેમિકલયુક્ત વેસ્ટ ઠાલવી નદીના કાંઠા ને સાંકડો કરી રહેલા, નદીના પાણીને ખરાબ કરી રહેલા માફીયાઓ સામે કડક કાર્યવાહી કરી તેઓને કાયદાનો પાઠ ભણાવે.