“વૃક્ષ એ જ જીવન” છે. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરું મહત્વ છે. અનેક પ્રકારના વૃક્ષોને દેવ તરીકે પૂજવામાં આવે છે. એમાં પણ પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. પીપળા પ્રત્યે લોકોમાં ખૂબ શ્રદ્ધા છે. આવી શ્રદ્ધાથી વાપી તાલુકાના બલિઠા ગામમાં આવેલ એક 200 વર્ષ જુના પીપળાના વૃક્ષની લોકો ભક્તિભાવથી પૂજા કરતા આવે છે.
બલિઠાના ભંડારવાડ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48 પર મુંબઈ તરફ જતા ડાબી બાજુ આ વૃક્ષ આવેલું છે. વર્ષોથી અડીખમ ઉભેલા આ વૃક્ષને વન વિભાગ વલસાડ તરફથી જુના વૃક્ષો ની યાદીમાં સમાવ્યું છે. વૃક્ષની ગર્થ 94 મીટર છે. ઊંચાઈ 16 મીટર છે. ઉંમર 200 વર્ષથી વધુ છે. જેનો ક્રાઉન ડાયા મીટર 30 મીટર આસપાસ છે.
Advertisement
મળતી માહિતી મુજબ બલિઠામાં રહેતા કાંતિભાઈ દેવાભાઈ ભંડારી તેમજ તેમના કુટુંબીજનો છેલ્લા સાત પેઢીથી આ પીપળાના વૃક્ષ ની પૂજા કરતા આવ્યાં છે. બોટનીકલ નામ માં Ficus Religiosa તરીકે જાણીતા આ પીપળાના વૃક્ષ માટે લોકવાયકા છે કે, આ વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને કાળ ભૈરવનો વાસ છે. લોકો પણ આ વૃક્ષને દેવ તરીકે પૂજે છે.
Advertisement
આસપાસના અસંખ્ય શ્રદ્ધાળુઓ આ વૃક્ષના સાનિધ્યમાં બનેલ બ્રહ્મદેવ મંદિરે નિત્યક્રમે દર્શન કરવા આવે છે. અહીંથી અડોઅડ નેશનલ હાઇવે નંબર 48 પસાર થતો હોય મંદિરમાં હંમેશા ભક્તોની ભીડ રહે છે. જો કે, વિકાસની દોટ માં આ વૃક્ષને કારણે હાઇવે નો સર્વિસ રોડ અટકી ગયો છે. સર્વિસ રોડને આગળ લઇ જવામાં આ વૃક્ષ હાલ અડચણ રૂપ છે. જેથી વહેલા મોડું તેને જમીનદોસ્ત કરવું પડશે.
200 વર્ષથી અડીખમ આ વૃક્ષ અને બ્રહ્મદેવ મંદિરને ખસેડવાની તજવીજ ચાલી રહી હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. જો આ પ્રક્રિયા મુજબ આ વૃક્ષને અહીંથી ખસેડી નજીકમાં ફરી રોપવામાં આવે તો કદાચ આ વૃક્ષ હજુ વધુ વર્ષો સુધી અડીખમ રહેશે. અને ભક્તોની શ્રદ્ધા પણ જળવાય રહેશે. તેમજ વૃક્ષ એ જ જીવન નો મહિમા પણ સાર્થક થશે.