Tuesday, February 25News That Matters

વાપીની આર્યન પેપરમિલમાં કન્વેયર બેલ્ટ પર મૂકેલ વેસ્ટ પેપરની ગાંસડી પડતા કામદારનું મોત

વાપીની આર્યન પેપર મિલમાં કામ કરતાં રાજકુમાર બુડકી યાદવ નામના 60 વર્ષીય કામદારનું મોત નીપજતા કામદારના પરિવારજનોમાં, કંપની સંચાલકોમાં અને કામદારોમાં ગમગીનીનું મોજું પ્રસરી વળ્યું છે. 

આ અંગે મળતી વિગત મુજબ ગત રાત્રે કામદાર રાજકુમાર આર્યન પેપર મીલમાં કન્વેયર બેલ્ટ પર વેસ્ટ પેપર ની ગાંસડી નાખવાનું કામ કરતા હતા. ત્યારે, કન્વેયર બેલ્ટ પર મુકેલ વેસ્ટ પેપર ની ગાંસડી અચાનક જ કામદાર રાજકુમાર પર પડી હતી. જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.

ઘટનાની જાણકારી મળતા જ કંપની સંચાલકો અને આસપાસ રહેલા કામદારોએ તેને તાત્કાલિક સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મગજમાં ગંભીર ઇજાના કારણે અને વધારે પડતું લોહી વહી જવાથી કામદારને બચાવી શક્યા નહોતા.

ઘટનાની જાણકારી વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનને તેમજ કામદારના પરિવારજનોને કરવામાં આવી હતી. મંગળવારે સવારે મૃતક 60 વર્ષીય રાજકુમાર બુડકી યાદવના મૃતદેહને વાપી ચલા પીએચસી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો.

મૂળ મધ્યપ્રદેશના મણિપુરના રહીશ રાજકુમારના અકસ્માત મોત બાદ કંપની સંચાલકોએ જણાવ્યું હતું કે તેમના વળતર પેટે કંપની તરફથી જે પણ સહયોગ બનશે તે સહયોગ પૂરો પાડવામાં આવશે. એ ઉપરાંત ESIC હેઠળ તેને જે વધારાના બેનિફિટ મળવા પાત્ર છે તે પણ અપાવીશું. હાલમાં કંપની સંચાલકો દ્વારા મૃતક રાજકુમારના મૃતદેહને તેમના વતન મોકલવા માટેની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *