વાપી નજીક આવેલ કરમબેલે ખાતે નિર્માણાધીન નવા રેલવે ઓવરબ્રિજ નીચે મંગળવારે સાંજના સમયે 4:30 વાગ્યા આસપાસ ભંગારના જથ્થામાં આગનો બનાવ બન્યો હતો. ભંગારમાં મોટેભાગે પ્લાસ્ટિક અને ફાઇબર જેવી ચીજ વસ્તુઓ હોય આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઉઠતી વિકરાળ જ્વાળાઓ જોઈને આસપાસના લોકોમાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે રેલવે વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો હતો.
આગને બુજાવવા માટે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ અને ભીલાડ પોલીસ મથકમાં જાણકારી આપી હતી. આગની ઘટના બની હોવાની જાણકારી વાપી નોટિફાઇડ ફાયર વિભાગને અને સરીગામ ફાયર વિભાગને મળતા બંને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઓવરબ્રિજની નીચે જ મુકેલા ભંગારમાં આ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને બુજાવવા ફાયરના જવાનોએ પાણી અને ફૉમ નો મારો ચલાવ્યો હતો. એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
ફાયર વિભાગ તરફથી મળતી વિગતો મુજબ કરામબેલા ખાતે નિર્માણાધિન રેલવે બ્રિજ નીચે પ્લાસ્ટિક અને ફાઇબરના ભંગારમાં અગમ્ય કારણોસર આ આગ લાગી હતી. જો કે આગ દરમ્યાન આ ભંગાર કોનો છે? તે અંગે કોઈ જાણકારી મળી નથી. આગની ઘટના બની તે પહેલા ભંગારનો માલિક સ્થળ પરથી છું. મંતર થઈ ગયો હતો.
ઘટના અંગે સ્થળ પર પહોંચેલ ભિલાડ પોલીસ દ્વારા આ ભંગાર કોનો છે? ક્યાંથી લાવવામાં આવ્યો છે? કે કોણ તેનો ઉપયોગ કરી રહ્યું છે? કોના દ્વારા અહીં ખાલી કરવામાં આવ્યો છે? તેવી સંપૂર્ણ વિગતો મેળવવા સાથે વધુ તપાસ હાથ ધરી છે. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ના હોય તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, રેલવે ઓવરબ્રિજ નીચે બનેલ આગની ઘટના નજીક જ રેલવે ટ્રેક હોય ટ્રેક પર પસાર થતી ટ્રેનમાં આગને કારણે કે ધુમાડાને કારણે કોઈ મુશ્કેલી ઉભી ના થાય તે ધ્યાને રાખી સાવચેતીના ભાગરૂપે રેલવે વ્યવહાર થોભાવી દેવામાં આવ્યો હતો. જે 30 મિનિટ બાદ ફરી યથાવત કરવામાં આવ્યો હતો.