Friday, January 10News That Matters

વાપીના ચલા ડુંગર ફળિયા વિસ્તારમાં ભગવાન રામની વેશભૂષામાં સજ્જ બાળકો સાથેની ભવ્ય શોભાયાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યું

વાપી નગરપાલિકા વિસ્તારના ચલા ડુંગર ફળિયા વોર્ડ નંબર 2 માં સ્થાનિક કાઉન્સિલર ધર્મેશ પટેલ દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પોતાના વિસ્તારમાં ભવ્ય શોભા યાત્રા, મહાપ્રસાદ સહિતના આયોજનો કરી આ શુભદિનની અનોખી ઉજવણી કરી હતી.

22મી જાન્યુઆરીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પ્રતિમાની અયોધ્યા નગરીમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ શુભ ઘડીએ સમગ્ર દેશ રામમય બન્યો છે. જે અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તારના ચલા ડુંગર ફળિયાના સ્થાનિક કાઉન્સિલર ધર્મેશ પટેલની આગેવાનીમાં સવારે રામ પૂજન અને બપોર બાદ ડીજે ના તાલે રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનની ઝાંખી રજૂ કરતા બાળકો સાથે ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.

કેસરી ધજા પતાકા સાથે રામ શોભાયાત્રા માં જોડાયેલ રામ ભક્તોએ જય શ્રી રામના ગગનભેદી નારા બોલાવ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ, યુવાનોએ ડીજેના તાલે નાચગાન તેમજ ઢોલના તાલે ગરબે રમી આ દિવસની ઉજવણી કરી હતી. આ અંગે પંકજ પટેલે જણાવ્યું હતું કે તેઓ ઘણા દિવસથી આ દિવસ માટેની તૈયારી કરતા હતા. આજે આ કાર્યક્રમમાં આખું ગામ ઉત્સાહભેર જોડાયું છે. બાળકો, મહિલાઓ, વડીલો, યુવાનો સહભાગી થયા છે. આ ઉત્સવને મહોત્સવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં બાળકો હિન્દુ સંસ્કૃતિથી, રામ, સીતા, લક્ષ્મણ ના ચરિત્રથી વાકેફ થાય, સાંસ્કૃતિક વારસાથી માહિતગાર થાય તે માટે તેઓને પણ સામેલ કરી તેમને રામ, સીતા, ભરત, લક્ષ્મણ, હનુમાનજી, શબરી ના વેશભૂષા માં સજ્જ કર્યા હતા. જેઓને શણગારેલા રથમાં બેસાડી સમગ્ર વિસ્તારમાં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ઉત્સવ નિમિતે ભગવાન રામની પૂજા માટે મંડપ શણગારી રંગોળી કરવામાં આવી હતી. ભગવાન રામની તસ્વીર સામે સવારે મહા આરતી, બપોરે મહાપ્રસાદ, સાંજે ભવ્ય શોભાયાત્રા સહિતના આયોજનો કરવામાં આવ્યા હતાં. જેમાં ઉપસ્થિત તમામ મહિલાઓ, પુરુષોએ કેસરી પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહભેર આ અણમોલ ઘડીને વધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *