Friday, December 27News That Matters

પાણી નીતરતો ડોમેસ્ટિક કચરો લઈ જતા ડમ્પરનું UPL બ્રિજ પર ટાયર ફાટ્યું, વાહનચાલકોએ માથું દુઃખાવતી દુર્ગન્ધ સહન કરી, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ…!

વાપીના નેશનલ હાઇવે નંબર 48 પર UPL બ્રિજ પર એક ડમ્પરનું ટાયર ફાટ્યું હતું. આ સમયે તેની સાથે જ નીકળેલ અન્ય 2 ડમ્પરના ચાલકો પર મદદ માટે થોભી જતા સમગ્ર વિસ્તારમાં માથું ફાડતી દુર્ગંધે વાહનચાલકોને તૌબા પોકારાવી હતી. આ ત્રણેય ડમ્પરમાં પાણી નીતરતો ભીનો ડોમેસ્ટિક વેસ્ટ હતો. પરંતુ, તેના વાહનની પાસ-પરમીટ ડમ્પર ચાલક પાસે હોય GPCB કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એ આશ્ચર્ય લોકોમાં ફેલાયું હતું. ઘટના અંગે મળતી વિગતો મુજબ Khyber Logistics લખેલ KA35-D-2676 નંબરની ડમ્પર મુંબઈ તરફથી ભીનો પાણી નીતરતો ડોમેસ્ટિક વેસ્ટ ભરી અમરેલીના રાજુલામાં આવેલ L&T સિમેન્ટ ફેકટરીમાં ખાલી કરવા નીકળી હતી. આ ડમ્પર સાથે અન્ય ડમ્પર નંબર KA35-D-2672 અને બીજી એક ડમ્પર મળી કુલ 3 ડમ્પર એક સાથે જઇ રહી હતી. જે દરમ્યાન નેશનલ હાઇવે નંબર 48 પર વાપી ના UPL બ્રિજ પરથી પસાર થતી વખતે KA35-D-2676 નંબરની ડમ્પરનું ટાયર ફાટ્યું હતું. બ્રિજ પર જ આ ઘટના બનતા અન્ય 2 ડમ્પર ના ચાલકોએ પણ મદદ માટે પોતાની ડમ્પર થોભાવી દેતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. એ દરમ્યાન આ ટ્રક માં ભરેલ ડોમેસ્ટિક વેસ્ટ એટલો દુર્ગંધ મારતો હતો કે, આસપાસથી પસાર થતા વાહન ચાલકોએ નાક પર રૂમાલ બાંધવા છતાં પણ તેની દુર્ગંધ અસહ્ય બની હતી. આ ઘટનાને લઈ GPCB ની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો, ટ્રાફિક શાખા અને GIDC પોલીસ પણ ટ્રાફિક યથાવત કરવા પહોંચી હતી. જે દરમ્યાન ત્રણેય હાઈવા ટ્રક માંથી અસહ્ય દુર્ગંધ સાથે ભીનો વેસ્ટ હોય તેનું પાણી સતત રોડ પર પડી રહ્યું હતું. જો કે, આ કચરો ડોમેસ્ટિક હોય અને હાઈવા ટ્રક ચાલક પાસે તેમના વહન કરવાની પરમીટ હોય GPCB દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું GPCB ના અધિકારીએ જણાવ્યું હતું. ઘટનાને લીધે ટ્રાફિક જામ થતા તેને ક્લિયર કરવા પહોંચેલ ટ્રાફિક પોલીસ અને GIDC પોલીસે તમામ ડમ્પરને બ્રિજ નીચે ઉતરાવી વાહનવ્યવહાર યથાવત કરાવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ વાહનચાલકોમાં અચરજ એ વાતે વ્યાપ્યુ હતું કે, સામાન્ય રીતે કોઈપણ પ્રકારનો વેસ્ટ જો ભીનો હોય અને તેનું પાણી રસ્તા પર પડતું હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. દુર્ગન્ધ યુક્ત કચરો પણ વહન કરવા માટેના ચોક્કસ નિયમો છે. ટ્રાફિક શાખા અને પોલીસ પણ આવા સમયે કાયદાકીય કાર્યવાહી કરે શકે છે. કેમ કે, ડમ્પર માંથી નીતરતું આ પ્રકારનું ગંદુ પાણી હોય કે, આ રીતે રેતી, અન્ય રજકણો ઉડતા હોય તો તેનાથી અન્ય વાહનચાલકોને આરોગ્ય જોખમાવા ઉપરાંત અકસ્માતનો ભય રહેતો હોય છે. જો કે, આ હાઈવા ટ્રક માં ભરેલ ભીના ડોમેસ્ટિક વેસ્ટમાંથી ગંદુ આરોગ્યને અસર કરતું પાણી રાસ્ત પર નીતરતું હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નહિ આવતા આ મામલે ક્યાંક ભીનું સંકેલાય ગયું હોવાનો ગણગણાટ વાહનચાલકોમાં વર્તાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *