વાપી તાલુકાના દેગામ ખાતે સ્પેશિયલ ચાઈલ્ડ માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ શાળા ચલાવાય રહી છે. મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી સંચાલિત રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશ્યલ એજ્યુકેશન એન્ડ રિહેબીલીટેશન સેન્ટર નામની આ શાળામાં વાપીથી શાળાએ જતા બાળકો માટે બસ સુવિધાની જરૂર હતી. જે ધ્યાને આવ્યા બાદ જેટકો દ્વારા CSR ફંડ હેઠળ 58 લાખ રૂપિયા મંજુર કરી તેમાંથી એક નવી નકોર બસ (દિવ્યાંગ વાહન)ની ભેટ આપી છે. આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને જેટકોના નવસારી વિભાગના અધિક્ષક ઈજનેર પી. એન. પટેલના હસ્તે બસનું પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળામાં સ્પેશ્યલ ચાઈલ્ડ કેટેગરીમાં આવતા મુક બધિર, માનસિક વિકલાંગ બાળકોને શિક્ષણ આપવા સાથે વ્યવસાયિક તાલીમ આપી પગભર કરે છે. આ માટે વાપીથી આવતા બાળકોને બસ સુવિધાની જરૂર હતી. જે સુવિધા પૂરી પાડી જેટકોએ પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.બસની ભેટ આપનાર નવસારી વિભાગના અધિક્ષક ઈજનેર પી. એન. પટેલે જણાવ્યું હતું કે, જેટકો દ્વારા CSR ફંડ હેઠળ વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત આ શાળાને બસ અને કમ્પાઉન્ડ વોલ પુરી પાડવા 58 લાખ નું ફંડ મંજુર કર્યું હતું. જે ફંડ મળતા જ બસની ખરીદી કરી આજે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ટ્રસ્ટને ભેટ આપવામાં આવી છે. આ બસની ભેટમાં વાપીમાં કાર્યરત મહેશ્વરી લોજીસ્ટિકસ દ્વારા પણ જરૂરી મદદ પુરી પડાય છે. જેમના સેલ્સ મેનેજર દેવાંગ અહિરેએ સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેઓ દ્વારા પણ CSR એક્ટિવિટી હેઠળ શાળામાં સુરક્ષા સલામતીના અને રાષ્ટ્રીય તહેવારો નિમિતે અનેક કાર્યક્રમ આપી સમાજમાં જાગૃતિનો સંદેશ ફેલાવતા હોવાનું જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, જેટકો દ્વારા ટ્રસ્ટને અપાયેલ બસને વાપીના અંબા માતા મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, દાતાઓએ નાણાંમંત્રીનું અને જેટકોના અધિકારીનું સન્માન કર્યું હતું. આ દિવ્યાંગ વાહનમાં શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને બેસાડી પ્રસ્થાન કરવાના કાર્યક્રમમાં VIA પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, નગરસેવકો સહિત ઉદ્યોગકારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.