Friday, January 31News That Matters

વાપી તાલુકાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 70 બાળ વૈજ્ઞાનિકોએ 35 કૃતિઓ પ્રસ્તુત કરી

વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ પુરુષ અધ્યાપન મંદિર ખાતે વાપી તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ સૂત્ર સાથે આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023-24માં વાપી તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળાના 70 બાળકોએ 35 કૃતિઓ રજૂ કરી પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં.

GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ પ્રેરિત અને તાલુકા પંચાયત શિક્ષણ શાખા વાપી તથા BRC ભવન વાપી દ્વારા આયોજિત આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023-24 અંગે BRC કોર્ડીનેટર અશ્વિન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં 70 બાળ વૈજ્ઞાનિકોએ પાંચ વિભાગમાં 35 કૃતિઓ રજૂ કરી છે.

પુરુષ અધ્યાપન મંદિર વાપી ખાતે 29 મી સપ્ટેમ્બર અને 30મી સપ્ટેમ્બર ના રોજ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. આરોગ્ય, ટ્રાન્સપોર્ટેશન, એગ્રીકલ્ચર,  ગણન સંચાલન અને પ્રત્યાયન એમ 5 વિભાગ હતા. જેમાં વિદ્યાર્થીઓએ ઇનોવેટિવ કૃતિઓને પ્રદર્શિત કરી હતી. તાલુકાના આ પ્રદર્શનમાંથી 10 કૃતિઓની પસંદગી કરી ઝોન કક્ષાએ મોકલવામાં આવશે. જ્યાંથી 2 કૃતિઓને પસંદ કરી જિલ્લા, રાજ્ય અને નેશનલ કક્ષાએ મોકલવામાં આવશે.

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અને તેમના દ્વારા તૈયાર થયેલા આવિષ્કારો સમાજને ઉપયોગી થાય તેવા પ્રયાસ માટે આ પ્રકારના આયોજનો કરવામાં આવે છે. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે જણાવ્યું હતું કે બાળ વૈજ્ઞાનિક મેળામાં ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરી છે. જે ઇનોવેટિવ છે. જેની પાછળનો ઉદ્દેશ્ય પણ બાળકને જાગૃત કરી ટીમ સ્પિરિટની ભાવના કેળવવાનો છે. અદભુત કૃતિઓ રજૂ કરનાર દરેક વિદ્યાર્થી અભિનંદનને પાત્ર છે. આશા છે કે આમાંથી જ કંઈક નવું કરી આ બાળ વૈજ્ઞાનિકો ભવિષ્યમાં આગળ વધશે.

સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ના સૂત્ર સાથે આયોજિત બાળ વૈજ્ઞાનીક પ્રદર્શન 2023-24 માં બીઆરસી કોર્ડીનેટર સહિત મામલતદાર, પાલિકા ચીફ ઓફિસર, તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, બલિઠા ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો, પ્રાથમિક શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *